Site icon Revoi.in

ભાજપ અને આપના કેટલાક નેતા, કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, શક્તિસિંહ ગોહિલે તમામને આવકાર્યા

Social Share

અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિયુક્તિ બાદ ભાજપ અને આમ આદમી પાર્ટીને નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જાડઈ રહ્યા છે. જેમાં શનિવારે જેતપુર અને લીંબડી, ખેડા સહિત ભાજપ અને આપના કેટલાક નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કર્યો હતો. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તમામને આવકાર્યા હતા.

જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ અને સતત  છ ટર્મથી નગરસેવક તરીકે ચુંટાતા  પ્રમોદભાઈ આર. ત્રાડા તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. પ્રમોદભાઈ 1991માં ભાજપના યુવા મોરચાના પ્રમુખ હતા અને પ્રથમ વખત નગરપાલિકામાં ચૂંટાયા હતા. 2020થી શાળા સંચાલક મંડળના પ્રમુખ છે. શનિવારે પ્રમોદભાઈ ત્રાડા ઉપરાંત આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ, પ્રદેશ કક્ષાના મહામંત્રીથી લઈને અનેક હોદ્દેદારો, અનેક વોર્ડના પ્રમુખો તેમજ બિનરાજકીય સામાજિક સંગઠનોના આગેવાનો વિગેરેએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

પ્રદેશના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ તરીકે  શક્તિસિંહ ગોહિલે કરેલા આહવાનને ખૂબ જ જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસમાં જોડાયેલા જેતપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પ્રમોદભાઈ આર. ત્રાડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપનું કુશાસન ગુજરાતના લોકો માટે ત્રાસદાયક બની ગયું છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહી છે. ત્યારે જનહિતમાં અમે કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે,  કોંગ્રેસ પક્ષમાં જોડાનારામાં  પ્રમોદભાઈ આર. ત્રાડાની સાથે લીંબડી વિધાનસભાના અપક્ષ ઉમેદવાર અને યુનિટી ઓફ કોળી ઠાકોર સેના, ગુજરાતના પ્રમુખ જયેશભાઈ ઠાકોર આમ આદમી પાર્ટીના ખેડા જિલ્લા પ્રમુખ નલીનભાઈ બારોટ, ખેડા શહેર પ્રમુખ સમીર વોરા, ખેડા જિલ્લાના મહામંત્રી દિનેશ પરમાર, અમદાવાદ જિલ્લા મહામંત્રી પ્રકાશ પટેલ, એજ્યુકેશન સેલ, ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ લક્ષ્મણ ચૌહાણ, પ્રદેશ સહ મંત્રી પ્રકાશ પટેલ, વિરમગામ વિધાનસભા સંગઠન મંત્રી રાજુભાઈ પટેલ, એજ્યુકેશન સેલ, ગુજરાત પ્રદેશના મંત્રી ભાવિન પટેલ, એજ્યુકેશન સેલ, ખેડા જિલ્લા પ્રમુખ  જીજ્ઞેશ ગોળ, અમદાવાદ જિલ્લા શિક્ષણ પરિષદના ઉપાધ્યક્ષ શિવરામ મકવાણા, અમદાવાદ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સકીલ બેલીમ, અમદાવાદ શહેર એજ્યુકેશન સેલ મંત્રી અરવિંદભાઈ સોલા, લધુમતી અમદાવાદ જિલ્લા મંત્રી ગનીસૈયદ સાહેબ, શ્રમિક સેવા સંગઠનના મંત્રી પંકજસિંહ બારડ, બંધારણ સમિતિ, મહેસાણાના અધ્યક્ષ હસમુખ પટેલ સહિત અનેક હોદ્દેદારો, આગેવાનોનો સમાવેશ થાય છે.