દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોલસાની અછત ઉભી થતા અનેક રાજ્યોમાં વિજળી કાપની સમસ્યા ઉભી થઈ છે. જો કે, વીજળી કાપની સમસ્યાને ટાળવા માટે સરકાર એક્સચેન્જમાંથી મોંઘાભાવે વીજળી ખરીદી રહી છે. ચોમાસાના કારણે કોલસાની ખાણો બંધ થવાથી તથા અનેક ખાણોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી કોલસાની અછત સર્જાઈ હોવાનો કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ દાવો કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, ચોમાસાના વરસાદને કારણે કેટલીક ખાણો બંધ થવાથી અને કેટલીક અન્ય ખાણોમાં પાણીને કારણે કોલસાની કટોકટી ઉભી થઈ છે. જો કે હાલ પરિસ્થિતિ સુધરી રહી હોવાથી ગભરાવાની જરૂર નથી. દેશના પાવર પ્લાન્ટ્સને જરૂરી માત્રામાં કોલસો મળતો રહેશે. જ્યારે હાલની પરિસ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, અમે હાલ પરિસ્થિતિમાં સુધારો જોઈ રહ્યા છીએ. આપણે દરરોજ 20 લાખ ટન કોલસાનું ઉત્પાદન કરી શકીએ છીએ. ચોમાસાને કારણે કેટલીક કોલસાની ખાણો બંધ થઇ છે અને અન્ય કેટલીક ખાણોમાં પાણી ભરાઈ જવાને કારણે પાવર પ્લાન્ટ્સને કોલસાનો પુરવઠો ખોરવાયો હતો. જિલ્લા વહીવટીતંત્ર સહિત દરેકના સહકારથી ઉકેલ આ સમસ્યાનો ઉકેલ આવશે.
કોલસા મંજ્ઞી પ્રહલાદ જોશીએ ઝારખંડના ચત્રા જિલ્લાના પીપરવાડ ખાતે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (CCL) ની અશોકા ખાણની મુલાકાત લીધી હતી. તેમજ તેમણે CCL અને ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (ECL) ના અધિકારીઓ સાથે પ્રવર્તમાન પરિસ્થિતિ પર વાતચીત કરી હતી.