કેટલાક તત્વો ભારતનો વિકાસ નથી ઈચ્છતાઃ મોહન ભાગવત
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના પ્રમુખ મોહન ભાગવતજીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કેટલાક તત્વો નથી ઈચ્છતા કે ભારત વિકાસ કરે, જેથી વિકાસના માર્ગમાં અડચણો ઉભી કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા તત્વોથી ડરવાની જરૂર નથી. તેમણે સંબોધનમાં છત્રપતિ શિવાજી મહારાજના સમયનું ઉદાહરણ આપ્યું હતું.
મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં પણ આવી જ સ્થિતિ હતી, પરંતુ ધર્મની શક્તિનો ઉપયોગ કરીને તેનો ઉકેલ લાવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં ભારત પર બહારના લોકોના આક્રમણ મોટી સંખ્યામાં થતા હતા, જેથી લોકો સતર્ક રહેતા હતા, પરંતુ હવે તેઓ વિવિધ સ્વરૂપમાં સામે આવી રહ્યાં છે.
મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે, જ્યારે તાડકાએ હુમલો કર્યો ત્યારે ભારે અરાજકતા ફેલાઈ હતી, પરંતુ રામજી અને લક્ષ્મજી દ્વારા માત્ર એક બાણમાં તે મારાઈ હતી. રાક્ષસી પૂતના જ્યારે બાળક કૃષ્ણને મારવા આવી ત્યારે ત્યારે તે બાળ કૃષ્ણને સ્તનપાન કરાવવા માટે માસીના રૂપમાં આવી હતી પરંતુ તે બાળક શ્રી કૃષ્ણ હતા. તેમણે પૂતનાને મારી નાખી હતી. આજની સ્થિતિ પણ તેવી જ છે. હુમલા થઈ રહ્યાં છે અને તે દરેક તરફથી વિનાશકારી છે. જે આર્થિક હોય, આધ્યામિક હોય અને રાજકીય હોય.