પ્રદેશ કોંગ્રેસમાં પદાધિકારીઓની નિમણૂંકો જલ્દી થાય તે માટે કેટલાક નેતાઓ દિલ્હી પહોંચ્યા
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પણ લોક સંપર્ક વધારી દીધો છે, ત્યારે કોંગ્રેસમાં કોઈ જ સળવળાટ જોવા મળતો નથી. પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના રાજીનામાં સ્વીકારી લેવાયા બાદ નવા નેતાની પસંદગી જુથબંધીને કારણે લઈ શકાતી નથી. કોંગ્રેસના હાઈકમાન્ડની ઘોર નિષ્ક્રિયતાને કારણે કોંગ્રેસના કાર્યકરો પણ લાચાર અવસ્થામાં મુકાયા છે.
પ્રદેશ કોંગ્રેસમાં હોદ્દો મેળવવા માટે કેટલાક નેતાઓએ લોબીંગ શરૂ કર્યું છે. પ્રદેશ કોંગ્રેસના માળખામાં ફેરફારની શક્યતા વચ્ચે તુષાર ચૌધરી સહિત અનેક નેતાઓને દિલ્હી બોલાવાયા છે. થોડા દિવસ પહેલા નરેશ રાવલના નિવાસ સ્થાને કોંગ્રેસના એક જૂથે બેઠક યોજી હતી અને હાઈ કમાન્ડને મળવા માટે સમય માંગ્યો હતો. ત્યારે હવે એ બેઠકમાં હાજર રહેલા નેતાઓને દિલ્હી બોલાવાયા હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીનો સમય ન મળતા ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ પક્ષના અગ્રણી કે. સી. વેણુગોપાલ સાથે બેઠક યોજી હતી. જેમાં નરેશ રાવલ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, સાગર રાયકા, જગદીશ ઠાકોર, હિમાંશુ વ્યાસ, સી જે ચાવડા, બળદેવજી ઠાકોર, તુષાર ચૌધરી અને ગૌરવ પંડ્યા સહિતના નેતાઓ સામેલ થયા હોવાનું કહેવાય છે.
ગુજરાત કોંગ્રેસનું આ જૂથ જલ્દી નિમણુંકો થાય તેમ ઈચ્છી રહ્યું છે, આ જૂથે 3-3 સભ્યોની પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષની પેનલો પણ તૈયાર કરી લીધી છે. અનેક રાજ્યોમા કોંગ્રેસમાં આંતરિક કલહ ચાલી રહ્યો છે. જેને ઉકેલવામાં કોંગ્રેસનું હાઈકમાન્ડ કામે લાગેલું છે. પરંતુ દિલ્હીના કાન સુધી ગુજરાતનો અવાજ પહોંચતો નથી એવુ લાગે છે. ગુજરાત કોંગ્રેસમાં ત્રણ મોટી જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, તેને માત્ર સવા વર્ષ જ બાકી છે.
બે દાયકાથી ગુજરાતમાં ભાજપની સત્તા છે. અત્યાર સુધી ગુજરાતમાં બે ધ્રુવીય રાજનીતિ હતી. એક ભાજપ અને બીજી કોંગ્રેસ. ત્યારે હવે તેમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. આવામાં ગુજરાત કોંગ્રેસ દિશાહીન છે અને લિડર વગરની છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારીનું પદ પણ ખાલી પડ્યુ છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ આ વાતને લઈને પણ ચિંતામાં છે. ત્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રી કોંગ્રેસે નબળી ન પાડે તે માટે મજબૂત લિડરની પક્ષને હવે જરૂર છે.