Site icon Revoi.in

ભારતના કેટલાક એવા શહેર,જ્યાં વિદેશી લોકોને ફરવું વધારે ગમે છે

Social Share

ભારતમાં આમ તો ફરવા માટે હજારો સ્થળો છે. ભારતમાં ફરવા માટે એટલે કે જો સંપૂર્ણ ભારતયાત્રા કરવા નીકળો તો અંદાજે 2-3 વર્ષ તો થઈ જાય, પણ જો કે કોઈની પાસે એટલો ફરવાનો સમય હોતો નથી તેના કારણે લોકો કેટલાક સ્થળે જ જાય છે.આવામાં જો વાત કરવામાં આવે વિદેશી પર્યટકોની તો ભારતના કેટલાક સ્થળો એવા છે જ્યાં તેમને ફરવું વધારે પસંદ છે.

જો વિદેશી લોકોના મનપસંદ પાંચ સ્થળોની વાત કરવામાં આવે તો તેમાંથી ત્રણ સ્થળ તો રાજસ્થાનના છે.પહેલું છે રાજસ્થાનનું જોધપુર કે જ્યાં રાજપૂત રાજા રાવ જોધા દ્વારા સ્થાપિત જોધપુરમાં શાહી કલાકૃતિ જોવા મળે છે.જોધપુરમાં 1200 એકરમાં ફેલાયેલા મેહરાનગઢ કિલ્લાની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી છે.જોધપુરને બ્લુ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે.રાજસ્થાનના આ શહેરનો દરેક ખૂણો શાહી અનુભવ આપે છે.

બીજા નંબર પર છે ઉદયપુર એ રાજસ્થાનનું બીજું શાહી શહેર છે. અહીં લેક પિછોલા તળાવ પર આવેલ તાજ લેક પેલેસ સૌથી રોયલ હોટલોમાંની એક છે. આ શહેર સિટી પેલેસ અને મોનસૂન પેલેસ સહિત કેટલાક ભવ્ય મહેલોથી ઘેરાયેલું છે.જેમ્સ બોન્ડની ફિલ્મોમાં પણ આ મહેલો બતાવવામાં આવ્યા છે. ઉદયપુરમાં પણ વિદેશીઓની ભીડ જોવા મળતી હોય છે.

ત્રીજા નંબર પર છે રાજસ્થાનનું ભારતનું પિંક સિટી કહેવાતા જયપુરમાં રહેલી અનેક ઐતિહાસિક ઈમારતોને જોવા વિદેશી પ્રવાસીઓની ભીડ ઉમટે છે. જયપુરમાં રાજાઓ અને રાણીઓનો લાંબો ઇતિહાસ છે. તેના ભવ્ય મહેલો,કિલ્લાઓ અને મંદિરોની સાથે આ શહેર તેની ભવ્યતા અને રજવાડાની ઝલક પણ પ્રવાસીઓ સમક્ષ રજૂ કરે છે.

આ પછી જો વાત કરવામાં આવે મધ્યપ્રદેશમાં આવેલા ગ્વાલિયરની તો ગ્વાલિયર મધ્ય પ્રદેશનું ખૂબ સુંદર શાહી શહેર છે.દેશનો સૌથી મહત્વપૂર્ણ મહેલ જય વિલાસ પેલેસ અહીં સ્થિત છે.આ મહેલ મરાઠા સિંધિયા વંશના નિવાસસ્થાન તરીકે બનાવવામાં આવ્યો હતો.આજના સમયમાં આ મહેલને મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યો છે,જેમાં મુઘલ રાજાઓની અંગત વસ્તુઓ એકઠી કરવામાં આવી છે.

છેલ્લે આવે છે કર્ણાટકમાં આવેલા મૈસુરની કે તે તેના શાહી અને સમૃદ્ધ ઇતિહાસ માટે પ્રવાસીઓમાં પ્રખ્યાત છે. મૈસુર ભારતીય રાજા ટીપુ સુલતાન અને વાડિયાર રાજવંશ સાથે સંકળાયેલું છે. આ રાજાઓએ 1399 અને 1950 ની વચ્ચે આ આ જગ્યાએ શાસન કર્યું હતું.