રાજકોટઃ અરબી સમુદ્રમાં ટ્રફ અને ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારમાં સાઈક્લનોકિ સરક્યુલેશનની અસરથી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં વાદળિયાં વાતાવરણ વચ્ચે સવારે 15થી 20 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો હતો. તેમજ રવિવારે સમીસાંજ બાદ કેટલાક વિસ્તારોમાં બરફના કરાં સાથે માવઠું પડ્યું હતું.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.4 ડિગ્રી ગગડી 36.4 અને લઘુતમ તાપમાન 6.4 ડિગ્રી વધી 23.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં 38.4 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર બન્યું હતુ આ ઉપરાંત સુરેન્દ્રનગર અને રાજકોટમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અન્ય શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી નીચે નોંધાતા ગરમીમાં ઘટાડો થયો હતો. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન બનાસકાંઠા, પાટણ, ડાંગ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, કચ્છના કેટલાંક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ગતિના પવનો અને વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદ પડવાની વકી છે.
સૌરાષ્ટ્રના ઘણાબધા વિસ્તારોમાં રવિવારની સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પણ પડ્યો હતો. જેમાં રાજકોટના અમીન માર્ગ, મવડી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જ્યારે લોધિકા, ગોંડલ અને જસદણ પંથકમાં ગાજવીજ તથા કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેમજ રાજકોટ-કોટડાસાંગાણી હાઈવે પર કરાના થર જામતાં કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો હતો. હાઈવે પર બરફના થર જામતાં અદભુત દૃશ્યો જોવા મળ્યાં હતાં. સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં પણ માવઠું પડ્યાના વાવડ મળ્યા છે.
રાજ્યના હવામાન વિભાગની આગાહીને પગલે રવિવારથી જ આકાશ વાદળછાંયુ બન્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં બરફના કરાં સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. રાજકોટ-કોટડાસાંગાણી હાઈવે પર કરાનો વરસાદ વરસ્યો હતો અને રોડ પર બરફના થર જામી ગયા હતા. બીજી બાજુ, રાજકોટ શહેરમાં દર વખતની જેમ આ વખતે પણ થોડો વરસાદ વરસતાં જ ફીડર બંધ પડી ગયા હતા અને વીજળી ડૂલ થઈ ગઈ હતી. તથા કાલાવડ રોડ પર મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનને કારણે દુકાનોનાં બોર્ડ ઊડીને રસ્તા પર ફેંકાયાં હતાં તેમજ ધૂળની આંધી ફૂંકાતાં વાહનચાલકો પરેશાન બન્યા હતા.