Site icon Revoi.in

અમદાવાદની કેટલીક રિક્ષાઓમાં યાન્કી મીટર લગાવીને વસુલાતા વધુ ભાડાં

Social Share

અમદાવાદ: શહેરમાં સીએનજીના ભાવ વધતા સરકારે રિક્ષાચાલકોની માગ મુજબ ભાડાંમાં પણ વધારો કરી આપ્યો હતો. શહેરમાં ઘણાબધા રિક્ષાચાલકો પ્રામાણિક છે, તો કેટલાક રિક્ષાચાલકો મીટર ભાડાંના નામે કેવી રીતે પેસેન્જરોને છેતરે છે તેની ફરિયાદો ઊઠી હતી. દરમિયાન એક એનજીઓએ આ પ્રકારની ગેરરીતિઓ રોકવા માટે મુખ્યમંત્રી કાર્યાલય, ચીફ સેક્રેટરી, રાજ્ય પોલીસ વડા અને વાહનવ્યવહાર કમિશનરને ફરિયાદ કરી હતી.. જેને પગલે આરટીઓ કચેરી દ્વારા ગેરકાયદેસર યાન્કી મીટરનો ઉપયોગ કરી પેસેન્જરો પાસેથી વધુ પૈસા વસૂલતા રિક્ષાચાલકો સામે પગલાં લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે રિક્ષા પાસિંગ વખતે ફ્લેગ મીટરના સીરિયલ નંબરની નોંધણી કરવા પણ આદેશ કરાયો છે. સાથે જ રિક્ષાના ભાવપત્રકોમાં યાન્કી મીટરના ભાડા દર્શાવતા રિક્ષા અસોસિએશન સામે કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં કેટલાક રિક્ષાચાલકો ડિજિટલ ફ્લેગ મીટરના બદલે નોન સ્ટાન્ડર્ડ યાન્કી મીટર લગાવીને પેસેન્જરો પાસેથી વધુ પૈસા વસૂલે છે. આ વાતની ખાતરી કરવા માટે ટેસ્ટ ડ્રાઈવ કરવામાં આવી હતી. ત્યારબાદ બાદ આ પ્રકારની ગેરરીતિ રોકવા માટે રાજ્ય પોલીસ વડા અને વાહનવ્યવહાર કમિશનરને એક એનજીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. વાહનવ્યવહાર વિભાગે વર્ષ 2014માં પરિપત્ર કર્યો હતો. જેમાં ટેક્સી કે ઓટોરિક્ષા જેવા પેસેન્જર વાહનોએ મોટર વ્હીકલ એક્ટ મુજબ ઈલેક્ટ્રોનિક ફ્લેગ મીટર લગાડવું ફરજિયાત છે. તદુપરાંત રિક્ષાના આરટીઓ રજિસ્ટ્રેશન વખતે ફ્લેગ મીટર તોલમાપ ખાતા દ્વારા માન્ય હોવું જરૂરી છે અને આ અંગેનું પ્રમાણપત્ર ચકાસવું જોઈએ. મીટરનું બિલ ચેક કરવું, મીટરના સીરિયલ નંબર, આરટીઓના ફોર્મ નંબર 23 અને 24માં નોંધાવા જોઈએ, એવા કડક નિયમ બનાવ્યા છે. પરંતુ આમાંથી મોટાભાગના નિયમોનું આરટીઓમાં પાલન થતું નથી. પરિણામે કેટલાય રિક્ષાવાળા રિક્ષાના આરટીઓ પાસિંગ સમયે ભાડાના ડિજિટલ ફ્લેગ મીટર લગાવીને પાસિંગ કરાવે છે અને ત્યારબાદ યાન્કી મીટરો લગાવીને બિન્ધાસ્ત રિક્ષા ફેરવે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીએ તેમના આરટીઓ ઈન્સ્પેક્ટરને પેસેન્જર ઓટોરિક્ષાના પાસિંગ દરમિયાન જે-તે રિક્ષાના ફ્લેગ ફેરમીટરના સીરિયલ નંબર નોંધવા અને ફ્લેગ ફેરમીટરની ખરીદીના બિલો ચકાસવાનો આદેશ કર્યો છે. આ સાથે જ ટ્રાફિક પોલીસને પણ પત્ર લખીને ફ્લેગ મીટરના બદલે નોન સ્ટાન્ડર્ડ યાન્કી મીટરનો ઉપયોગ કરતાં પેસેન્જર રિક્ષાચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જાણ કરી છે. અમદાવાદની ઓટોરિક્ષામાં ફ્લેગ મીટર લગાવવા તે એક પાયલટ પ્રોજેક્ટ હતો. જે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે. વાહનવ્યવહાર વિભાગના પરિપત્ર મુજબ ઓટોરિક્ષા અને કેબ ટેક્સી બંનેમાં ડિજિટલ ફ્લેગ મીટરનો નિયમ છે. પરંતુ ફ્લેગ મીટરને બદલે એપ્લિકેશનથી ચાલતી કેબ ટેક્સી સામે કોઈ પગલાં લેવાતા નથી.