મોરબીઃ હળવદ પંથકમાં મેઘરાજાની મહેર વચ્ચે કોઈ ટીખળખોરોએ નર્મદા કેનાલનો વાલ ખોલી નાખતા કેનાલના પાણી ખેડૂતના ખેતરમાં ફરી વળતા મગફળીના વાવેતરને નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા પાંચેક દિવસથી હળવદ તાલુકામાં મેઘરાજાની મહેર ચાલુ છે, જેથી ખેડૂતના ખેતરમા વરસાદી પાણી હજુ સુકાયા નથી તેવા સમયે જ ધ્રાંગધ્રા બ્રાન્ચની કેનાલ હેઠળ આવતી ૧૮ નંબરની કેનાલનો વાલ્વ કોઇક ટીખળખોરોએ ખોલી નાખતા કેનાલ ઓવરફ્લો થઇ હતી અને કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યાં હતા.
હળવદ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સારો વરસાદ પડ્યો છે. અગાઉ પડેલા વરસાદ બાદ ખેડુતોએ મગફળી અને કપાસનું વાવેતર કરી દીધુ હતું. હાલ વરસાદ પડ્યો હોવાથી વાવેતરલ કરેલા પાકને સિંચાઈની કોઈ જ જરૂર નથી. ત્યારે ધ્રાંગધ્રા બ્રાન્ચની કેનાલ હેઠળ આવતી ૧૮ નંબરની કેનાલનો વાલ્વ કોઇએ ખોલી નાંખતા નર્મદા કેનાલના પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળતા ખેડૂતો વાવેલી મગફળી પાક બળી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે, ખેડૂતોએ જણાવ્યું હતું કે ઘનશ્યામગઢથી ઇસનપુર રોડ પર અવારનવાર કેનાલનું પાણી આવતું હોય છે જેના કારણે ખેતરે જવુ પણ મુશ્કેલ બની જાય છે હાલ નર્મદાનું પાણી રસ્તા પરથી ખેતર સુધી પહોંચતા અંદાજે ૨૦ જેટલા ખેડૂતોને પોતાના ખેતરે જવું મુશ્કેલ બન્યું છે જોકે આ અંગે નર્મદા નિગમના અધિકારીઓને કહેતા તેઓએ કહ્યું હતું કે આ પાણી અમારું નથી આ તો વરસાદનું છે.?.