Site icon Revoi.in

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની બાળકીને કોઈ ઉઠાવી ગયું

Social Share

અમદાવાદઃ શહેરની એસજી હોઈવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં એક દિવસની નવજાત બાળકીના અપહરણનો ચોંકાવનારો બનાવ બન્યો છે. હોસ્પિટલના ત્રીજા માળે આવેલા વોર્ડમાંથી કોઈ અજાણ્યા શખસ દ્વારા અપહરણ કરાયું છે. આ વાતની જાણ થતાં જ હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે પણ માસૂમ બાળકીને શોધવા પ્રયાસો હાથ ધર્યા છે. હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાના CCTV ચેક કરવામાં આવી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  સરસ્વતી રાજેન્દ્ર પાસી મૂળ અમેઠીના વતનીએ પોલીસને જાણ કરી હતી કે તેમણે 31 ઓગસ્ટે બાળકીને જન્મ આપ્યો હતો. તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે સ્થિત PNB વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બીજી સપ્ટેમ્બરે મધરાતે અઢીથી ત્રણ વાગ્યાના સુમારે કોઈ અજાણી વ્યક્તિ તેમની એક દિવસની બાળકીનું અપહરણ કરીને લઈ ગઈ હતી. હોસ્પિટલના વોર્ડમાંથી બાળકીનું અપહરણ થતાં હોસ્પિટલમાં સિક્યોરિટી અને બાળકોની સલામતી સામે સવાલો ઊભા થયા છે. હાલમાં આ વાતની જાણ થતાં પોલીસે બાળકીના ફોટો વહેતો કરીને તેને શોધવા માટે ખાસ ટીમ બનાવી છે. એ ઉપરાંત હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા CCTV કેમેરા દ્વારા બાળકીને લઈ જનારને શોધવા માટે વિગતો મગાવવામાં આવી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને બાળકીની શોધખોળ શરૂ કરી દીધી છે.