રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા જે ટ્રેન રદ કરી દેવામાં આવી હતી. તે હવે પૂર્વવત કરવામાં આવી રહી છે. ચાલુ માસથી જ બીજી નવી ત્રણ ટ્રેન શરૂ કરવાનો પશ્ચિમ રેલવેએ નિર્ણય લીધો છે. જેમાં જામનગર-બાંદ્રા, અમદાવાદ- સોમનાથ એકસપ્રેસ, વેરાવળ- ઈન્દોર ટ્રેન શરૂ થશે. જો કે આ ત્રણેય ટ્રેન સ્પેશ્યલ ટ્રેન તરીકે જ દોડશે. અમદાવાદ- સોમનાથ, વેરાવળ ઈન્દોર ટ્રેનનું રવિવારથી અને જામનગર- બાંદ્રા ટ્રેનનું બુકિંગ મંગળવારથી શરૂ થશે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 09123 બાંદ્રા ટર્મિનસ જામનગર વિશેષ ટ્રેન દરેક સોમવારે,ગુરૂવાર અને શનિવારે બાંદ્રાથી 11.55 કલાકે પ્રસ્થાન કરશે. જે બીજે દિવસે બપોરે 2.25 કલાકે જામનગર પહોંચશે. આ ટ્રેન 24 જુલાઇથી શરૂ થશે. જ્યારે જામનગર- બાંદ્રા ટ્રેન દર મંગળવારે, શુક્રવાર, અને રવિવારે જામનગરથી રાત્રે 8.00 કલાકે પ્રસ્થાન કરશે. બીજે દિવસે સવારે 9.30 કલાકે બાંદ્રા પંહોચશે. આ ટ્રેન 25 જુલાઈથી શરૂ થશે.
09149 અમદાવાદ- સોમનાથ વિશેષ ટ્રેન દરરોજ અમદાવાદથી સવારે 10.40 કલાકે પ્રસ્થાન કરશે. અને એ જ દિવસે સાંજે 6.40 કલાકે સોમનાથ પંહોચશે.આ ટ્રેનનો પ્રાંરભ 21 જુલાઈથી થશે, 09420 સોમનાથ અમદાવાદ વિશેષ ટ્રેન સોમનાથથી સવારે 6.35 કલાકે પ્રસ્થાન કરશે અને એ જ દિવસે સાંજે 6.25 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 22 જુલાઇથી શરૂ થશે.વેરાવળ- ઈંદોર મહામના સ્પેશિયલ ટ્રેન હવે સાપ્તાહિક થશે. 09303 ટ્રેન દર બુધવારે વેરાવળથી રાત્રે 10.20 કલાકે ઉપડશે અને બીજે દિવસે સાંજે 5.05 કલાકે ઈંદોર પંહોચશે.આ ટ્રેન 21મીથી શરૂ થશે.