Site icon Revoi.in

સોમનાથ મહાદેવને 205 કિલો કેસરિયા પુષ્પનો શ્રૃંગાર કરાયો, ભાલકા તિર્થમાં આજે જન્માષ્ટમી ઊજવાશે

Social Share

વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના દર્શનનું શ્રાવણ મહિનામાં વિશેષ મહાત્મ્ય છે. મહાદેવજીને રોજ વિવિધ શણગાર કરવામાં આવે છે, ત્યારે શ્રાવણ કૃષ્ણ સપ્તમીના અવસર પર સોમનાથ મહાદેવને શૌર્ય અને ત્યાગના પ્રતિક સમાન કેસરિયા પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ 205 કિલોથી વધુ પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. મહાદેવના આ અલૌકિક સ્વરૂપના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.

કેસરી રંગ ત્યાગ, જ્ઞાન, પવિત્રતા અને સેવાનું પ્રતીક છે. શાસ્ત્રોમાં શ્રી રામ, શ્રી કૃષ્ણ અને અર્જુનના રથના ધ્વજનો રંગ કેસરી ગણાવ્યો છે. કેસરી રંગ બલિદાન અને બહાદુરીનું પ્રતીક છે. કેસરી રંગ એ સૂર્યોદય અને સૂર્યાસ્તનો રંગ પણ છે, અર્થાત્ કેસરી રંગ સનાતન ધર્મના જન્મ, મૃત્યુ અને જન્મના સતત ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્યની પેહલી કિરણ કેસરી પ્રકાશથી રાત્રિના અંધકારને દૂર કરે છે અને તેજ અને ઊર્જા આપે છે. તેથી જ તે વિશ્વને જગાડનાર માનવામાં આવે છે. સનાતન ધર્મમાં ભગવો રંગ એવા ઋષિઓ અને તપસ્વીઓ દ્વારા પહેરવામાં આવે છે જેઓ સંસાર છોડીને મોક્ષના માર્ગ પર ચાલવાનો સંકલ્પ કરે છે. સન્યાસીઓ ભગવા વસ્ત્રો પહેરે છે. કારણ કે તે સંયમ, નિશ્ચય અને આત્મ-નિયંત્રણનું પ્રતીક પણ માનવામાં આવે છે.  આમ, સનાતન સંસ્કૃતિમાં કેસરિયા રંગના મહત્વને ઉજાગર કરતો કેસરિયા પુષ્પ શૃંગાર સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો હતો.

સોમનાથ મહાદેવજીના મંદિરમાં જન્માષ્ટમીના પર્વની ઊજવણી કરવામાં આવશે.મહાદેવજીને સાંય શંગાર કરવામાં આવશે. તેમજ ભાલકા તીર્થમાં  પણ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડશે.. ગીર સોમનાથ , વેરાવળ  અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ભાવિકો  ભાલકા તીર્થ ખાતે જન્મોત્સવ મનાવશે