Site icon Revoi.in

સોમનાથ મહાદેવને ગંગા દર્શનનો શ્રૃંગાર કરાયો, શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યાં

Social Share

વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવના દર્શન માટે બારે મહિના શ્રદ્ધાળુઓ આવતા હોય છેય જેમાં સૌથી વધુ શ્રાવણ મહિના દરમિયાન ભાવિકો દાદાના દર્શન માટે આવી રહ્યા છે. શનિવારે શ્રાવણ માસના દસમા દિવસે સોમનાથ મહાદેવજીને શ્રી ગંગા દર્શન શણગાર કરવામાં આવ્યો હતો. માતા ગંગા શિવજીની જટામાં સમાઈને ભાગીરથી બન્યા હતા. તે વૃતાંતને દર્શનમાં સુંદર રીતે આલેખવામાં આવ્યો હતો

રાજા સગરના વંશજ ભગીરથ તેમના 60 હજાર પૂર્વજોને મોક્ષ મળે તે માટે માતા ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવા માંગતા હતા. તેમણે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરીને ગંગાને ધરતી પર લઈ જવાનું વરદાન મેળવ્યું. પરંતુ સમસ્યા એ હતી કે પૃથ્વી ગંગાની ગતિ અને વેગ સહન કરી શકે તેમ ન હતી. પછી બ્રહ્માજીના સૂચન પર, ભગીરથે કઠોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા જેથી ગંગા પૃથ્વી પર ઉતરતા પહેલા તેમના વાળમાં ઉતરી જાય અને તેનો વેગ ઓછો થાય. પછી તેઓ સરળતાથી પૃથ્વી પર ઉતરી જાય છે. ભગવાન શિવ આ માટે સંમત થયા અને તેમને આશીર્વાદ આપ્યા. તે પછી, માતા ગંગા સ્વર્ગમાંથી ભગવાન શિવના વાળમાં સમાઈ ગઈ અને પછી પૃથ્વી પર અવતરણ કર્યું. એટલે સોમનાથ મહાદેવજીને શ્રી ગંગા દર્શન શણગાર કરવામાં આવ્યો હતો.

સોમનાથ મહાદેવના સાનિધ્યે શિવમહા પુરાણ કથા ચાલી રહી છે. દર્શને આવતા ભાવિકો કથારસપાનનો લાભ લઈ રહ્યા છે. શિવ મહાપુરાણ કથામાં વક્તા પ્રજ્ઞાચક્ષુ ડો.કૃણાલભાઈ જોષીના વ્યાસાસને ચાલી રહી છે, કથા પ્રસંગમાં શનિવારે શિવ વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો અને ભક્તો દ્વારા ઢોલનગારા અને મંત્રોચ્ચાર સાથે મહાદેવની જાન અહલ્યાબાઇ મંદિર ખાતેથી નિકળી હતી, શ્રાવણ માસે ભગવાન શિવ નગરચર્યા નિકળેલા હોય એવો ભાવનાત્મક માહોલ પ્રભાસના માર્ગમાં સર્જાયો હતો. શિવવિવાહની પૂજા વિધિ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા યજમાન પદે કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત ભક્તોએ કથાશ્રવણનો લાભ લીધો હતો.