Site icon Revoi.in

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સંસ્કૃતના સંભાષણનો 15 દિવસીય વર્ગ યોજાયો

Social Share

વેરાવળઃ સોમનાથ ખાતે  આવતા યાત્રીઓનું દેવભાષા સંસ્કૃતના પવિત્ર શબ્દોથી સ્વાગત થાય, તેવા શુભાશય સાથે યોજાયેલા પ્રથમ સંસ્કૃત સંભાષણ વર્ગનું સમાપન થયું, જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી શ્રી સોમનાથ સંસ્કૃત- યુનિવર્સિટી દ્વારા 15 દિવસિય તાલિમ વર્ગનું સોમનાથ યાત્રી સેવાકેન્દ્ર ભવન ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના શ્રી સોમનાથ મંદિર સહિતના અન્ય મંદિરોમાં ભગવાનની સેવા કરતા પૂજારીઓ, તથા સ્થાનિક તિર્થપુરોહિતોના પરિવારો સંસ્કૃત સંભાષણ સરળતાથી કરી શકે તેવા શુભાશયથી સંસ્કૃત સંભાષણ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 15 દિવસ ચાલેલા વર્ગમાં સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના સંશોધક વિદ્વાનો દીલીપ ત્રિવેદી અને રવિભાઇ રાદડીયા તથા સહાયક શિક્ષક દિપ પોપલીયા દ્વારા 55 જેટલા લાભાર્થીઓને સંસ્કૃતનુ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતુ.

આગામી સમયમાં સોમનાથ ખાતે સંસ્કૃત સંભાષણના વધુ બે વર્ગોનું આયોજન કરાશે, જેમાં સ્વૈચ્છીક રીતે લોકો જોડાઇ સંસ્કૃત સંભાષણ શીખી શકે અને રોજ બરોજના ઉપયોગમાં સંસ્કૃત ભાષા કેમ ઉપયોગી બની રહે તે  રીતે પ્રશિક્ષણ આપવામાં આવશે, આ વર્ગોનું આયોજન સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવશે.

સંસ્કૃત પ્રશિક્ષણ વર્ગનો સમાપન સમારોહ રામ મંદિર ઓડિટોરીયમ ખાતે રાત્રે 9-30 કલાકે યોજાયેલ હતો, જેમાં સોમનાથ ટ્રસ્ટના.ટ્રસ્ટી પ્રો. જે ડી પરમાર શ્રી સોમનાથ યુનિવર્સીટીના કાર્યકારી કુલપતિ ડો.લલીત પટેલ, રજીસ્ટ્રાર દશરથ જાદવ, સોમપુરા બ્રહ્મસમાજના પ્રમુખ દુષ્યંત ભટ્ટ સહિત મહાનુભાવો, સ્થાનિકો ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વર્ગ સમાપન પ્રસંગે સંસ્કૃત સંભાષણ ઉપસ્થિત સૌને વિવિધ વિષયો દ્વારા સંબોધિત કરવામાં આવ્યા હતા જેમાં સોમનાથ મંદિરના મુખ્ય પુજારી વિજય ભટ્ટ દ્વારા સોમનાથ મંદિર ની દિનચર્યા, પરાગભાઇ પાઠક પુજારીશ્રી દ્વારા સોમનાથ મંદિર માહાત્મ્ય તથા પ્રાગટ્યકથા, વિશાલ જાની દ્વારા સોમનાથ મંદિર પરિચય, વૈભવ પાઠક પુજારી સંસ્કૃત અને સંસ્કૃતિ જેવા વિષયો અંગે ઊંડાણપુર્વક જણાવ્યું હતું.

આ પ્રસંગે  દશરથભાઇ જાદવે જણાવ્યુ હતુ કે રોજબરોજના ઉપયોગ માટે પણ સંસ્કૃત ભાષા સરળતાથી શીખી શકાય છે, સાથે જ  સોમનાથ યુનિવર્સિટીને વિશાળ ભવન જે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યુ છે તેનો ઋણ સ્વીકાર કરૂ છું. ટ્રસ્ટી જે ડિ પરમારે  જણાવ્યુ હતુ કે સંસ્કૃત ભાષાની ઉત્પત્તિ ભગવાન શિવના ડમરૂમાંથી થયેલી હતી. કા.કુલપતિ ડો.લલીત પટેલે જણાવ્યું હતું કે  સંસ્કૃત સરળ છે, આગામી દિવસોમાં વધુ સંસ્કૃત સંભાષણ વર્ગો  યોજાશે.