1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સોમનાથ મંદિર દ્વારા વૃદ્ધાશ્રમ, આશ્રમશાળા અને દિવ્યાંગ ગૃહોમાં વસ્ત્ર અને મહાપ્રસાદ વિતરણ કરાયું
સોમનાથ મંદિર દ્વારા વૃદ્ધાશ્રમ, આશ્રમશાળા અને દિવ્યાંગ ગૃહોમાં વસ્ત્ર અને મહાપ્રસાદ વિતરણ કરાયું

સોમનાથ મંદિર દ્વારા વૃદ્ધાશ્રમ, આશ્રમશાળા અને દિવ્યાંગ ગૃહોમાં વસ્ત્ર અને મહાપ્રસાદ વિતરણ કરાયું

0
Social Share

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક માસની વદ તેરસને માસિક શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. શિવરાત્રિના હજારો ભક્તોની મેદની વચ્ચે જ્યોતપૂજન, મહાપૂજા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ આ સાથે જ માસિક શિવરાત્રી પર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીની અધ્યક્ષતામાં કાર્ય કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિ સાથે માનવતાની પૂજા પણ કરી રહ્યું છે. 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક નવી પ્રથાનો પ્રારંભ કરાયો  હતો. જેમાં પ્રત્યેક માસિક શિવરાત્રી પર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમ દિવ્યાંગ ગૃહોમાં સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલા વસ્ત્ર પ્રસાદ અને સોમનાથ મહાદેવના મહાપ્રસાદ સ્વરૂપે લાડુ અને ચીકી નું વિવિધ જિલ્લાના વહીવટી તંત્રના સહયોગથી વિતરણ કરવામાં આવે છે.

સોમનાથ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે. કે,  સામાન્ય રીતે જ્યારે શિવરાત્રીનો પર્વ અને સોમનાથ આ બે શબ્દો એક સાથે જ્યારે આવે એટલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પટાંગણમાં લોકો હર હર ભોલે ઓમ નમઃ શિવાય નો નાદ કરતા નજરે પડે, સોમનાથ મહાદેવના અલૌકિક શૃંગારના દર્શન, મંદિર પરિસરમાં વેદપાઠી બ્રાહ્મણો દ્વારા શ્લોકો ના ઉચ્ચારણ, દિવસ દરમિયાન થતી પૂજાઓ, મહા આરતી આવું જ ભાતચિત્ર આપણા માનસપટ પર સર્જાતું હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટે શિવરાત્રી પર માનવતાની પૂજા નો પ્રારંભ કર્યો છે. “જેમનું કોઈ નથી તેમની સાથે સોમનાથ મહાદેવનો આશીર્વાદ છે” એ વાતની અનુભૂતી કરાવવાનો સોમનાથ ટ્રસ્ટે નિર્ધાર કર્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, પાટણ, મહીસાગર, ખેડા,નર્મદા મળી કુલ 8 જિલ્લામાં વસ્ત્ર પ્રસાદ અને મહાપ્રસાદ નું વિતરણ કરાયું હતું. ત્યારે ફાગણ માસની માસિક શિવરાત્રી પર રાજ્યના ભાવનગર, મોરબી, પોરબંદર, અને વડોદરા મળી વધુ 4 જિલ્લામાં આ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ.જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉપરોક્ત જિલ્લાઓના કલેક્ટર અને અધિકારીઓનો સંપર્ક કરીને તેઓને સોમનાથ મહાદેવનો વસ્ત્ર પ્રસાદ અને મહાપ્રસાદ અગાઉ પહોંચાડવામાં આવ્યો હતો.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યના 12 જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમો, આશ્રમશાળા, અને દિવ્યાંગ ગૃહોમાં એકસાથે સોમનાથ મહાદેવને અર્પણ કરેલ વસ્ત્રો અને પ્રસાદ રૂપે સોમનાથના, ચીક્કી અને લાડુ પ્રસાદ સાથે, વડીલો ભાઈઓને પેન્ટ અને શર્ટ પીસ, માતાઓ બેહનોને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રત્યેક શિવરાત્રી પર્વ પૂર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને આ માનવતા સભર વસ્ત્રપ્રસાદ સેવાનું આગવું આયોજન કરવામાં આવે છે. અને વસ્ત્ર પ્રસાદ અને સોમનાથ મહાદેવનો ચીકી પ્રસાદ નિયત સ્થળોએ વહીવટી તંત્ર સુધી પહોંચાડવામાં આવે છે.  દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ટ્રસ્ટ દ્વારા રાજ્યના અલગ અલગ ખૂણે રહેલા જરૂરિયાત મંદોની સેવા કરવાના નિર્ધારને તમામ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહેલ છે. ગુજરાત સરકારની સંવેદનશીલતા આ વસ્ત્ર અને મહા પ્રસાદ વિતરણ કાર્યમાં ઉત્સાહપૂર્વક જોડાઈને તમામ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ઉજાગર કરવામાં આવી છે. અને સોમનાથ મહાદેવનો વસ્ત્રપ્રસાદ અને મહા પ્રસાદ વૃદ્ધ, દિવ્યાંગો, અને બાળકોને જિલ્લાના કલેક્ટરશ્રીઓ, નાયબ કલેક્ટરશ્રી, મામલતદાર શ્રીઓ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ રૂબરૂ જઈને શિવરાત્રીના પર્વે પ્રેમપૂર્વક અર્પણ કરેલ. સોમનાથ ટ્રસ્ટ આગામી સમયમાં પણ પ્રતિમાસ શિવરાત્રી પર રાજ્યના વધુ જિલ્લાઓમાં તંત્ર સાથે સંકલનમાં વસ્ત્ર પ્રસાદ અને મહા પ્રસાદનું વિતરણ કરશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code