સોમનાથ મંદિર નવા રંગરૂપમાં જોવા મળશે,આઠ વર્ષ બાદ શરૂ કરવામાં આવ્યું કલર કામ
- સોમનાથ મંદિર નવા રંગરૂપમાં જોવા મળશે
- આઠ વર્ષ બાદ શરૂ કરવામાં આવ્યું કલર કામ
- આગામી શ્રાવણ માસમાં નવા રંગરૂપમાં જોવા મળશે મંદિર
ગીરસોમનાથ: કરોડો લોકોની પ્રિય જગ્યા અને લોકોને સૌથી વધારે શાંતિનો અનુભવ થાય તેવી જગ્યા એટલે કે સોમનાથ હવે નવા રંગરૂપમાં જોવા મળશે. જાણકારી અનુસાર પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિર આગામી શ્રાવણ માસ દરમિયાન નવા રૂપરંગમાં જોવા મળશે.
મંદિરને નવો કાયાકલ્પ આપવા માટે આઠ વર્ષ બાદ કલર કામ શરૂ કરવામાં આવ્યું છે.જે અંદાજિત બે માસ સુધી ચાલશે.સમુદ્ર કિનારા નજીક ખારા હવામાન સામે રક્ષણ આપી શકે તેવા કેમિકલ્સ અસ્તર અને કલરનો ઉપયોગ કરાશે . ત્યારે આગામી શ્રાવણ માસમાં સોમનાથ આવનારા ભાવિકોને સોમનાથનું મંદિર નૂતન અને દર્શનીય જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરમાં સૌ પ્રથમ માનવામાં આવે છે. તે ગુજરાતની એક મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસી સ્થળ છે. દર વર્ષે સોમનાથ દાદાના દર્શને કરોડો લોકો આવે છે અને પોતાની માનતાઓને પણ પૂર્ણ કરે છે. ભારતના ઈતિહાસમાં પણ સોમનાથ મંદિરનું અનેરુ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અને આ મંદિરનો ઈતિહાસ પણ ખુબ મહત્વનો અને જાણવાલાયક છે.