અમદાવાદઃ મંદિરોના નિર્માણમાં પત્થરોના ઘડતરમાં સોમપુરા સમાજના કારીગરો માહેર હોય છે. અને વર્ષોથી આ કળા જાળવી રાખી છે. સોમપુરા સમાજ દ્વારા આગામી 2 વર્ષમાં સમગ્ર વિશ્વમાં 104 જેટલા મંદિરોનું નિર્માણ કરવામાં આવશે. આ મંદિરો મુખત્વે જૈન સમાજ તેમ જ હિન્દૂ સમાજના હશે. આ તમામ મંદિરોમાંથી 70 જેટલા મંદિર ભારતમાં નિર્માણ થશે, બાકીના 34 મંદિરો વિદેશની ધરતી પર સોમપુરા સમાજના કારીગરો નિર્માણ કરશે.
સોમપુરા સમાજના એક અગ્રણીના જણાવ્યા મુજબ જૈન અને હિન્દુ મંદિરના નિર્માણ કરવામાં મુખત્વે રાજસ્થાનના બંસીપુરા ગામના પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ હવે કેટલાક મંદિરોમાં ધ્રાંગધ્રાના પથ્થરોનો પણ ઉપયોગ થાય છે. કેટલાક મંદિરો સિમેન્ટના ઉપયોગ વગર તૈયાર કરશે. કોરોનાને છેલ્લા બે વર્ષથી અટકી પડેલા મંદિરના કામો પણ આગામી 2 વર્ષ દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. વિશ્વમાં સોમપુરા સમાજના કારીગરો દ્વારા ભવ્ય મંદિરોનું નિર્માણ કરાયું છે. હવે આગામી વર્ષોમાં પણ મોટી સંખ્યામાં મંદિરોના નિર્માણ કાર્ય શરૂ થશે. મંદિરોના નિર્માણના લીધે સોમપુરા સમાજના 350થી વધુ કારોગરોને રોજગારી મળશે. સોમપુરા સમાજના યુવા વર્ગ માટે મૂર્તિ કામની શિબિરો પણ યોજવામાં આવી હતી.આ તમામ મંદિરોના નિર્માણથી સમાજના યુવાનો ઘણો ફાયદો થશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પથ્થરો દ્વારા વર્ષો પહેલા મોઢારા સૂર્ય મંદિર, પાટણ વાવ, સિદ્ધપુર રુદ્રમહાલય જેવા પ્રસિદ્ધ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં હાલ 30થી વધુ પથ્થર બનાવતી ફેકટરીઓ ચાલી રહી છે. આ પથ્થરની મજબૂતાઈ બીજા પથ્થરોની તુલનામાં વધારે હોવાથી હવે ધ્રાંગઘ્રાના પથ્થરોની ડિમાન્ડ વધુ છે.