Site icon Revoi.in

સોનિયા ગાંધી હિમાચલથી સાંસદ તરીકે ચૂંટાય તેવી શક્યતા, કૉંગ્રેસને મળશે રાજ્યસભાની 10 બેઠકો

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસને ખાતામાં રાજ્યસભાની દશ બેઠકો જવાની છે. તેમાંથી એક-એક બેઠક રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશથી છે. તો તેલંગાણામાં બે અને કર્ણાટકમાંથી કોંગ્રેસના ત્રણ નેતાઓ રાજ્યસભામાં જશે. જાણકારી પ્રમાણે, કોંગ્રેસે લગભગ નક્કી કરી લીધું છે કે આગામી દિવસોમાં કોને રાજ્યસભામાં તેઓ મોકલશે. કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાંથી સોનિયા ગાંધી અથવા પ્રિયંકા ગાંધીમાંથી કોઈ એકને રાજ્યસભામાં મોકલી શકે તેમ છે.

કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાંથી સોનિયા ગાંધી અથવા પ્રિયંકા ગાંધી, મધ્યપ્રદેશમાંથી અજય માકન અથવા અરુણ યાદવ, રાજસ્થાનથી જિતેન્દ્રસિંહ અથવા અભિષેક મનુ સિંઘવી, બિહારથી અખિલેશ પ્રતાપ સિંહ, મહારાષ્ટ્રથી પવન ખેડા, કર્ણાટકથી નાસિર હુસૈન, કર્ણાટકથી શ્રીનિવાસ બીવી અને કર્ણાટકથી સુપ્રિયા શ્રીનેતને રાજ્યસભામાં મોકલે તેવી શક્યતા છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે સંખ્યાબળ તો છે, પરંતુ તેમ છતાં અહીં પેચ ફસાયેલો રહેવાની સંભાવના છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના 44 ધારાસભ્યો છે. રાજ્યસભાની એક બેઠક માટે 42 ધારાસભ્યોની જરૂરત છે. પરંતુ બાબા સિદ્દીકીના કોંગ્રેસ છોડયા બાદ તેમના ધારાસભ્ય પુત્ર જિશાન પણ પાર્ટીને આવજો કહી દે તેવી શક્યતા છે. જો વધુ બે ધારાસભ્યો તૂટશે, તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ઉમેદવાર ખતરામાં ફસાય તેવી શક્યતા છે. તેલંગાણા અને કર્ણાટકની પાંચમાંથી ઓછામાં ઓછી ચાર બેઠકો સ્થાનિક નેતાઓને મળવાની શક્યતા છે. કર્ણાટકમાં કોંગ્રેસ પાસે 135 ધારાસભ્યો છે અને રાજ્યસભાની એક બેઠક માટે 45 વોટની જરૂરત હશે. જો એક ધારાસભ્ય પણ તૂટે છે, તો કર્ણાટકમાં કોંગ્રેસના રાજ્યસભાની ચૂંટણી માટેના ત્રીજા ધારાસભ્યને ચૂંટવામાં મુશ્કેલી પડે તેવી શક્યતા છે.

2024માં રાજ્યસભાના કુલ 65 સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. તેમાંથી એક સાંસદને આ મહિને એટલે ફેબ્રુઆરીમાં અને 55 સાંસદોના કાર્યકાળ એપ્રિલમાં સમાપ્ત થઈ રહ્યા છે. તો બે સાંસદોના મે અને 7 સાંસદોના કાર્યકાળ જુલાઈમાં સમાપ્ત થઈ જશે. જે સાંસદોના કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યા છે, તેમાંથી 11 કોંગ્રેસ, 32 ભાજપના છે.