સોનીયા ગાંધીને ED દ્વારા હવે ફરીવાર 26મી જુલાઈએ પૂછપરછ કરાશે, કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે
નવી દિલ્હીઃ નેશનલ હેરલ્ડ કેસ સંબંધિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ યાને ઈડી દ્વારા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે તપાસ એજન્સી સોનિયા ગાંધીની પૂછપરછ 25મી જુલાઈને બદલે 26 જુલાઈએ કરશે. દરમિયાન ઈડી દ્વારા કરાતી પૂછપરછના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હવે સોમવારને બદલે મંગળવારે સોનિયાને પૂછપરછ માટે બોલાવ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરૂવારે નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી. સવારે 12.20 વાગ્યાની આસપાસ શરૂ થયેલી પૂછપરછ બપોરે 3 વાગ્યે પૂરી થઈ હતી. આ પછી સોનિયા ગાંધી ED ઓફિસમાંથી નીકળી ગયા. તપાસ એજન્સી ED દ્વારા કરવામાં આવેલી આ તપાસના વિરોધમાં કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં એકઠા થયા હતા. કોંગ્રેસના સાંસદો પણ સંસદ ભવનથી બસ દ્વારા પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોના પ્રદર્શનને જોતા પોલીસે પાર્ટી હેડક્વાર્ટરની બહાર બેરિકેડ લગાવી દીધા હતા. સોનિયા ગાંધી જ્યારે ED ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે કોંગ્રેસ દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. સોનિયા ગાંધીને કોઈ ચોક્કસ પ્રશ્નો પૂછવામાં આવ્યા ન હતા. એજન્સી પાસે પૂછવા માટે ઘણું બધું નહોતું. પૂછપરછ બાદ સમાચાર આવ્યા કે સોનિયા ગાંધી હવે 25 જુલાઈએ બીજા રાઉન્ડના સવાલનો જવાબ આપશે. પરંતુ હવે તારીખ બદલવામાં આવી છે.
તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષે 27 સવાલોના જવાબ આપ્યા હતા. ત્યારબાદ તેણે અધિકારીઓને કહ્યું કે તેને ઘરે જઈ દવાઓ લેવાની જરૂર છે. ત્યારબાદ એજન્સીએ પૂછપરછ સમાપ્ત કરવાની મંજૂરી આપી હતી. EDના એક અધિકારીએ કહ્યું કે એજન્સી તેની તપાસને વધુ સારી રીતે આગળ વધારવા માંગે છે અને અમે તેમની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નથી ઈચ્છતા કે તે અસ્વસ્થતા અનુભવે. કોવિડ-19 નિયમોના પાલન સાથે સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી. સોનિયાની પણ એ જ સહાયક નિયામક-સ્તરના તપાસ અધિકારીએ પૂછપરછ કરી હતી જેમણે આ કેસમાં રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી. આ તપાસ કોંગ્રેસ સાથે જોડાયેલી ‘યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ’ કંપનીમાં કથિત નાણાકીય ગેરરીતિઓને લગતી છે. ‘યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ’ નામની કંપની પાસે નેશનલ હેરાલ્ડ અખબારના માલિકી હક્કો છે. પૂછપરછ ટીમમાં મહિલા અધિકારી પણ સામેલ હતા.