નવી દિલ્હીઃ ભારતીય રાજકારણની દ્રષ્ટીએ વર્ષ 2024ને ચૂંટણીના વર્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે. આગામી મહિનાઓમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. જો કે, તે પૂર્વે રાજ્યસભાની ખાલી પડનારી 56 જેટલી બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. જેને લઈને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીને લઈને ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. જેમાં કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીનો પણ સમાવેશ થાય છે. આમ આગામી લોકસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધી પરંપરાગત બેઠક રાયબરેલીથી ઉમેદવારી નહીં કરે તેવુ લાગી રહ્યું છે. હવે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં પરંપરાગત રાયબરેલી બેઠક ઉપરથી કોને મેદાનમાં ઉતારે છે તેને લઈને અત્યારથી જ અટકળો વહેતી થઈ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યસભા માટે કોંગ્રેસે રાજસ્થાનથી સોનિયા ગાંધી અને હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંધવીને ઉમેદવાર બન્યાં છે. આ ઉપરાંત અખિલેશ પ્રસાદ સિંહ અને મહારાષ્ટ્રના ચંદ્રકાંત હંડોરેના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ચંદ્રકાંત હંડોરે મહારાષ્ટ્રના દલિત નેતા છે મધ્યપ્રદેશની એક, તેલંગાણાની બે અને કર્ણાટકની 3 બેઠકો માટે ટુંક સમયમાં જ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. દરમિયાન સોનિયા ગાંધી આજે રાજસ્થાન પહોંચ્યાં હતા. જ્યાં તેઓ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરશે. સોનિયા ગાંધી આજે સવારે જયપુર પહોંચ્યાં હતા. તેમની સાથે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતા. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત, પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરા અને અન્ય નેતાઓએ એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કર્યું હતું.