સોનિયા ગાંધી પુત્ર રાહુલને વડાપ્રધાન અને લાલુ યાદવ પુત્રને મુખ્યમંત્રી બનાવવા માંગે છેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શનિવારે બિહારની રાજધાની પટનામાં આયોજીત એક મહાસંમેલનને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અને આરજેડી પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે સોનિયા ગાંધી તેમના પુત્ર રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે જ્યારે લાલુ યાદવ તેમના પુત્ર (તેજશ્વી યાદવ)ને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. બંનેને માત્ર પોતાના પરિવારની ચિંતા છે, કારણ કે બંને પરિવાર આધારિત પાર્ટી છે. રાજ્યની તમામ 40 સીટો પર જીતનું આહવાન કરતા તેમણે કહ્યું કે 2024માં બિહારની જનતા 40માંથી 40 સીટો મોદીને આપશે.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, હું કર્પૂરી ઠાકુરને સલામ કરું છું. કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય કર્પૂરી ઠાકુર જીનું સન્માન કર્યું નથી. તેમણે હંમેશા તેમના પરિવારનું સન્માન કર્યું છે અને લાલુજીએ પણ તેમના પરિવાર માટે માત્ર સારું જ કર્યું છે. આ તમામ પરિવાર આધારિત પાર્ટીઓ છે. અમિત શાહે કહ્યું કે ગરીબો માટે જો કોઈ સારું કરી શકે છે તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.
ભાજપના વરિષ્ઠ નેતા શાહે કહ્યું કે લાલુ પ્રસાદ આજે કોંગ્રેસના ખોળામાં બેઠા છે, જેણે હંમેશા ઓબીસી વર્ગ સાથે અન્યાય કર્યો છે. કોંગ્રેસ પાર્ટી અને લાલુ પરિવારે હંમેશા પછાત અને અતિ પછાત લોકો સાથે અન્યાય કર્યો છે. અમારી એનડીએ સરકાર બિહારના જમીન માફિયાઓને ઉંધા લટકાવવાનું કામ કરશે અને તેમને છોડશે નહીં. આરજેડી અને કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે આ લોકો માત્ર પોતાના કુળને આગળ લઈ જવા માટે તમારી પાસે વોટ માંગે છે અને મોદીજી દેશને આગળ લઈ જવા માટે તમારો વોટ માંગી રહ્યા છે. શાહે કહ્યું કે આરજેડી અને કોંગ્રેસ પાર્ટી કૌભાંડીઓની પાર્ટી છે. તેમણે સત્તામાં રહીને અનેક કૌભાંડો કર્યા છે.