નવી દિલ્હીઃ દેશમાં આગામી દિવસોમાં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીએ રાજ્યસભાની ચૂંટણીમાં રાજસ્થાન તરફથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સોનિયા ગાંધી આરોગ્યના કારણોસર આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે, જેથી કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લીધો છે.
કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ તેમના મતવિસ્તાર રાયબરેલીના લોકોને પત્ર લખીને કહ્યું છે કે, તેઓ સ્વાસ્થ્ય અને વધતી ઉંમરને કારણે આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે. તેમણે રાયબરેલીના લોકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે ભલે તેઓ તેમનું સીધું પ્રતિનિધિત્વ ન કરે, પરંતુ તેમનું હૃદય અને આત્મા હંમેશા ત્યાંના લોકો સાથે રહેશે.
સોનિયા ગાંધીએ પત્રમાં કહ્યું હતું કે, “હવે તબિયત અને વધતી ઉંમરને કારણે હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું. આ નિર્ણય પછી, મને તમારી સીધી સેવા કરવાની તક નહીં મળે, પરંતુ એ વાત નિશ્ચિત છે કે મારા હૃદય અને આત્મા હંમેશા તમારી સાથે રહેશે.”
સોનિયા ગાંધીએ બુધવારે રાજ્યસભા ચૂંટણી માટે રાજસ્થાનથી ઉમેદવારી નોંધાવી હતી. તે પ્રથમ વખત ઉપલા ગૃહમાં જઈ રહી છે. તેઓ 1999થી લોકસભાના સભ્ય છે. તે 2004થી લોકસભામાં રાયબરેલીનું પ્રતિનિધિત્વ કરી રહી છે. જેથી આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની પરંપરાગત બેઠક રાયબરેલી ઉપરથી કોંગ્રેસ લોકો મેદાનમાં ઉતારે છે તેને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.