હૈદરાબાદમાં અભિનેતા સોનુ સૂદના નામે એમ્બ્યુલન્સ સેવા શરૂ થઇ
- સોનુ સૂદના નામે એમ્બ્યુલન્સ સેવા શરૂ
- એમ્બ્યુલન્સના ઉદ્દઘાટન માટે પહોંચ્યા સોનુ
- હું ગર્વ અનુભવું છું – સોનુ સૂદ
કોરોના મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. ત્યારે બોલિવૂડ એક્ટર સોનુ સૂદે પ્રવાસી મજૂરોને ખુબ જ મદદ કરી હતી. તેમણે લોકડાઉન દરમિયાન એવા ઘણા લોકોને તેમના ઘરે પહોંચાડ્યા હતા, જે અન્ય રાજ્યોમાં ફસાયેલા હતા. એટલું જ નહીં સોનુ સૂદ હવેથી ટ્વિટર દ્વારા લોકોને મદદ કરતા જોવા મળી રહ્યા છે.
સોનુ સૂદની આ ઉદારતાએ દેશભરમાં તેમણે એક નવી ઓળખ આપી છે. મીડિયા રીપોર્ટસ મુજબ, હવે સોનુ સૂદના નામે હૈદરાબાદમાં એક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે, જેનું નામ ‘સોનુ સૂદ એમ્બ્યુલન્સ સેવા’ રાખવામાં આવ્યું છે. હકીકતમાં હૈદરાબાદમાં રહેતા શિવા નામના વ્યક્તિએ એક એમ્બ્યુલન્સ ખરીદી અને સોનુ સૂદના કામથી તે એટલા ઈન્સ્પાયર થયા કે તેણે એમ્બ્યુલન્સનું નામ એક્ટરના નામ પરથી જ રાખી દીધું.
ખુદ શિવા પણ લોકોની નિસ્વાર્થ સેવા માટે હૈદરાબાદમાં પણ જાણીતા છે. તે વ્યવસાયે તરણવીર છે. અને આજ સુધીમાં તેણે પાણીમાં ડૂબીને 100 થી વધુ લોકોનો જીવ બચાવ્યો છે. શિવાની નિસ્વાર્થ સેવા જોઈને લોકોએ તેમને દાનમાં પૈસા આપવાનું શરૂ કર્યું. અને તે જ પૈસાથી શિવાએ એમ્બ્યુલન્સ ખરીદી અને તેનું નામ સોનુ સૂદના નામ પરથી રાખ્યું.
એમ્બ્યુલન્સના ઉદ્ઘાટન માટે ખુદ સોનુ સૂદ ત્યાં પહોંચ્યા હતા. અને તેમને આ વાતનો ખૂબ ગર્વ થયો. એમ્બ્યુલન્સના ઉદ્ઘાટન માટે પહોંચેલા સોનુએ કહ્યું કે, શિવાએ અત્યાર સુધી જે કંઇ કર્યું છે, તે પ્રશંસનીય છે અને મને ગર્વ છે કે, હું એમ્બ્યુલન્સનું ઉદ્દઘાટન કરવા આવ્યો છું. તેમણે એમ પણ કહ્યું કે, આ દેશને શિવા જેવા લોકોની ખૂબ જરૂર છે.
-દેવાંશી