Site icon Revoi.in

દ.ગુજરાતઃ ધરમપુર અને કપરાળાના અંતરિયાળ ગામોમાં પીવાનું પહોંચાડવાની કામગીરી પૂર્ણતાના આરે

Social Share

અમદાવાદઃ રાજયના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તેમજ વલસાડ જિલ્‍લા પ્રભારી મંત્રી નરેશ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ જિલ્લામાં આગામી ચોમાસા પહેલા ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્‍તારના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે કપરાડા તાલુકાની અસ્‍ટોલ જૂથ પાણી પુરવઠા યોજના, સુજલામ સુફલામ યોજના અને નલ સે જલ યોજના અંતર્ગત જિલ્લામાં સંબધિત વિભાગ દ્વારા કરાયેલા આયોજન અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા બેઠક કલેકટર કચેરી વલસાડના સભાખંડમાં યોજાઇ હતી. બેઠકમાં મંત્રીએ કપરાડા તાલુકાના અસ્‍ટોલ ખાતે દમણગંગા નદી પર રૂા 586 કરોડના ખર્ચે તૈયાર થનારી અસ્‍ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાની સમીક્ષા કરી હતી.

મંત્રીએ સમીક્ષા કરતાં જણાવ્‍યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની વલસાડ જિલ્‍લાના ધરમપુર અને કપરાડાના 174 ગામો અને 1028 ફળિયા માટે શુધ્‍ધ પીવાનું પાણી પૂરૂ પાડનારી મહત્‍વાકાંક્ષી યોજનાનું વર્ષ 2018માં તેઓએ ભૂમિપૂજન કરેલું તે યોજના હવે આગામી ચોમાસા પહેલા પૂર્ણ કરવા અને કામોમાં ગુણવત્તા જળવાય તે જોવા માટે પાણી પુરવઠા વિભાગ અને વાસ્‍મોના સંબધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ યોજનામાં પાણી પુરવઠા વિભાગે મંત્રીને પ્રેઝટેશન દ્વારા આ યોજના હેઠળના 174 ગામો અને 1028 ફળિયા પૈકી અત્‍યાર સુધી 151 ગામો અને 961 ફળિયાઓમાં પાણી પુરવઠો શરૂ કરી દેવામાં આવ્‍યો છે.

લોકભાગીદારીથી જિલ્‍લામાં રૂા. 745.55 લાખના ખર્ચે કુલ 86 કામો, મનરેગા હેઠળ રૂા. 285.70 લાખના ખર્ચે 246 કામો તેમજ નર્મદા અને જળસંપત્તિ વિભાગ દ્વારા 800.26 લાખના ખર્ચે 138 કામો, વન વિભાગ દ્વારા 17.38 લાખના ખર્ચે 20 કામો અને જિલ્લાની નગરપાલિકાઓ હસ્‍તકના રૂા 29.39 લાખના ખર્ચે 20 કામો મળી કુલ રૂા. 1828 લાખના ખર્ચે 510 કામો જિલ્લામાં શરૂ કરાયા છે.