- કુઆલાલંપુરથી આવેલા મુસાફર પાસેથી મળ્યું સોનુ
- એર ઇન્ટેલિજન્સ યુનિટે સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી
બેંગ્લોરઃ દેશમાં સોનાના ભાવમાં થયેલા તોતિંગ વધારા વચ્ચે દાણચોરો સોનાની દાણચોરી માટે નવી-નવી તરકીબ અજમાવી રહ્યાં છે. બીજી તરફ એરપોર્ટ ઉપર તૈનાત કસ્ટમ સહિતની એજન્સીઓએ દાણચોરી અટકાવવા માટે સતર્ક બની છે. દરમિયાન ત્રિચી એરપોર્ટ ઉપરથી વિદેશથી આવેલા એક પ્રવાસી પાસેથી 9 લાખની કિંમતનું સોનુ ઝડપી લેવામાં આવ્યું હતું.
દક્ષિણ ભારતના ત્રિચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા એક મુસાફરને અટકાવવામાં આવ્યો હતો, જેની પાસેથી રૂ. 8.90 લાખની કિંમતનું 149,000 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે કુઆલાલંપુરથી આવેલા મુસાફર પાસેથી સોનાનો ટુકડો જપ્ત કરવામાં આવ્યો હતો.
એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીએ જણાવ્યું હતું કે ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે, ત્રિચીના AIUએ એક મુસાફર પાસેથી 149,000 ગ્રામ વજનનો 24-કેરેટ સોનાનો ટુકડો જપ્ત કર્યો હતો. તેની કિંમત 8.90 લાખ રૂપિયા આંકવામાં આવી છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે પેસેન્જરે સોનાના ટુકડા બે ન્યુટેલા જારમાં છુપાવ્યા હતા.
એર એન્ટેલિજન્સ યુનિટે સમગ્ર ઘટના અંગે કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. આ સોનું ક્યાં અને કોને આપવાનું હતું તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આ ઉપરાંત એરપોર્ટ ઉપર સોનાની દાણચોરી અટકાવવા માટે વિદેશથી આવતા પ્રવાસીઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.