Site icon Revoi.in

ઉત્તર ભારત-દક્ષિણ ભારત વચ્ચે અંતરના દાવા કરનારાઓને તમાચો, સાઉથ ઈન્ડિયા હિંદી પટ્ટીથી ઓછું ધાર્મિક નથી

Social Share

નવી દિલ્હી:  પ્યૂના 2020-21ના સર્વેએ ઉત્તર અને દક્ષિણ ભારતના વિભાજનને સમાપ્ત કરી દીધું છે. સર્વે પ્રમાણે, દક્ષિણ ભારત, ઉત્તર ભારત અથવા હિંદી પટ્ટીથી ઓછું ધાર્મિક નથી. પ્યૂના 2020-21ના સર્વે પ્રમાણે, રીતિ-રિવાજોમાં અંતર છે, પણ ધાર્મિક માન્યતાઓ બાબતે ઉત્તર-દક્ષિણ ભારતમાં વિભાજનના કોઈ પુરાવા નથી. દાવાઓ તો ત્યાં સુધી થયા છે કે હિંદી પટ્ટી રુઢિવાદિતા અને ધાર્મિક માન્યતાઓ તથા રીતિ-રિવાજોથી ગ્રસ્ત રહે છે. જ્યારે દક્ષિણ ભારત તર્કસંગતતા અને ધર્મનિરપેક્ષ આધુનિકતાનું તરફદાર છે.

પરંતુ આવા દાવાઓ ત્યારે ખોટા સાબિત થયા કે જ્યારે ભારતમાં 2020-21માં પ્યૂ ઈન્ટરનેશનલ દ્વારા ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ પર કરવામાં આવેલા એક રાષ્ટ્રીય સર્વેક્ષણના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું. જેમાં ઉત્તર અને દક્ષિણ ભારતમાં હિંદુઓ વચ્ચે વિશિષ્ટ અનુષ્ઠાનો અને રીતિ-રિવાજોની ઘટનાઓમાં કેટલાક અંતરને બાદ કરતા એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જેમાં બંને વચ્ચે મોટું અંતર જોવા મળે.

હિંદી પટ્ટીમાં બિહાર, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ હિંદી પટ્ટીના રાજ્યો તરીકે વર્ગીકૃત કરાયા છે. જ્યારે આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરલ પુડ્ડુચેરી, તમિલનાડુ અને તેલંગાણાને દક્ષિણ ભારતીય રાજ્યોની યાદીમાં રાખવામાં આવ્યા છે. ધાર્મિક માન્યતાઓના વિભિન્ન આયામો પર ઉત્તર અને દક્ષિણ ભારતીય રાજ્યો વચ્ચે ઘણું ઓછું અંતર જોવા મળ્યું છે.

ઈશ્વરની આસ્થાની વાત કરીએ તો હિંદી પટ્ટીમાં 99 ટકા અને દક્ષિણ ભારતમાં 98 ટકા ઉત્તરદાતાઓએ પોતાના આસ્તિક હોવાની વાત કરી છે. બંને ક્ષેત્રોમાં નાસ્તિકો 2 ટકા સુધી જ મર્યાદીત છે.

હિંદુઓમાં ધર્મની મહત્વતાના મામલે હિંદી પટ્ટીમાં 89 ટકા અને આંધ્રપ્રદેશ સિવાયના દક્ષિણ ભારતીય રાજ્યોમાં 68 ટકા ઉત્તરદાતાઓએ ધર્મને મહત્વપૂર્ણ ગણાવ્યો છે.

સર્વેમાં દરરોજ પૂજા કરનારાઓમાં હિંદી પટ્ટીના 81 ટકા હિંદુઓ અને દક્ષિણ ભારતમાં 72 ટકા હિંદુઓ સામેલ છે. દક્ષિણ ભારતમાં નિયમિત પૂજા કરનારાઓની સંખ્યા સરખામણીમાં ઓછી છે, પણ તેમ છતાં અત્યાધિક ઉચ્ચસ્તરની ધાર્મિકતાના સંકેત આપે છે.

જો કે દક્ષિણ ભારતીય હિંદુઓ નિયમિતપણે મંદિરમાં જવાના મામલે હિંદી પટ્ટી કરતા વધુ છે. 62 ટકા દક્ષિણ ભારતીય હિંદુઓએ સપ્તાહમાં ઓછામાં ઓછા 1 વાર મંદિરે જવાની વાત કહી છે. જ્યારે હિંદી પટ્ટીમાં આ આંકડો 57 ટકા છે. આ મુખ્ય અંતરનું કારણ દક્ષિણ ભારતમાં ઓબીસી અને દલિત સમુદાયના લોકોના મંદિરોમાં વધુ જવાને કારણે છે.

દક્ષિણ ભારતમાં 90 ટકા અને ઉત્તર ભારતમાં 84 ટકા પરિવારો શુભ પ્રસંગોના આયોજનના મુહૂર્ત જોવે છે.

સર્વે મુજબ, 68 ટકા જેટલા દક્ષિણ ભારતીય હિંદુઓ અને ઉત્તર ભારતના 85 ટકા લોકોએ ધાર્મિક વ્રત- ઉપવાસની વાત કરી છે.

ઉત્તર અને દક્ષિણ ભારતીય રાજ્યોની વચ્ચે ધાર્મિકતામાં કટેલીક હદે અંતર નિશ્ચિતપણે છે. પરંતુ આ બંને ક્ષેત્રોની વચ્ચે મહત્વપૂર્ણ અંતરનો દાવો કરવો ખોટો છે.