Site icon Revoi.in

નૈઋત્યનું ચોમાસુ રત્નાગીરી પહોંચ્યુ, એક સપ્તાહમાં ગુજરાતમાં મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હવે એક સપ્તાહમાં ચોમાસુ બેસી જશે. નૈઋત્યનું ચોમાસુ દક્ષિણ ભારતથી આગળ વધીને મહારાષ્ટ્રમાં રત્નાગીરી સુધી પહોંચ્યુ છે. અને એક સપ્તાહમાં એટલે કે 12મી જુન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું વાજતે ગાજતે આગમન થઈ જશે. દરમિયાન ગુજરાતમાં ખેડુતોએ વાવણીની આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ  હાલમાં ચોમાસુ મધ્ય અરબી સમુદ્રથી મહારાષ્ટ્રના રત્નાગીરીમાં પહોંચ્યુ છે. અને આગામી 2- 3 દિવસમાં મુંબઇમાં પહોંચી જશે. જ્યારે તારીખ 9 જૂનથી જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં પ્રિ- મોનસુન એક્ટીવીટી શરૂ થઇ જશે. તેમજ તારીખ 12 થી 15 જૂન વચ્ચે ચોમાસાનો વાજતે ગાજતે પ્રારંભ થશે. એટલે કે એકાદ સપ્તાહમાં જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વરસાદી માહોલ સર્જાશે. આવતા અઠવાડીયામાં ખેડૂતો વાવણી પણ કરી શકે એવો વરસાદ પડશે. જેમાં બેથી ત્રણ દિવસમાં 3 થી 4 ઇંચ વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

કૃષિ યુનિ.ના હવામાન વિભાગના તજજ્ઞોના કહેવા મુજબ આ વર્ષે જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગરમીનુ પ્રમાણ 40 થી 45 ડિગ્રી વચ્ચે રહ્યુ હતુ. કાળઝાળ ગરમી પાછળનું કારણ એવું છે કે,  ઉતર ભારતમાં વરસાદ ઓછા પ્રમાણ થયો હતો. તેમજ પશ્ચિમી વિક્ષેપ આવવો જોઇએ એટલો ન આવ્યો જેને લઇને ગરમ અને સુકા પવન સતત રહ્યા જેને કારણે આ વર્ષે ઉનાળામાં ખૂબજ ઉંચુ તાપમાન રહ્યુ હતું. સોરઠ પંથકમાં તાલાલા બાદ હવે કેશોદ, વંથલી પંથકમાં કેરીની સીઝન શરૂ થઈ છે જે હજુ એકાદ મહિનો ચાલી શકે છે જો વહેલા વરસાદની સ્થિતિ બની તો આ પાછોતરા પાકને નુકસાન થઈ શકે છે. સોરઠ પંથકમાં સૌથી વધુ મગફળીનું વાવેતર થાય છે અને જે વિસ્તારમાં પાણીની વ્યવસ્થા છે ત્યાં મગફળીના આગોતરા પાકનું વાવેતર હવે શરૂ થયું છે.