નવી દિલ્હીઃ S&P ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દરના અનુમાનને 6.8 ટકા પર જાળવી રાખ્યું છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, ઊંચા વ્યાજ દરો અને ઓછા રાજકોષીય ઉત્તેજનાથી માંગમાં ઘટાડો થશે. છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વૃદ્ધિ પામી છે.
S&P ગ્લોબલ રેટિંગ્સે સોમવારે જાહેર કરેલા એશિયા પેસિફિક માટેના તેના આર્થિક અંદાજમાં જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર તેની આર્થિક વૃદ્ધિથી આશ્ચર્યજનક છે. એજન્સીનો અંદાજ છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને 6.8 ટકા થઈ જશે.
S&P એ અનુમાન લગાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025-26 અને 2026-27માં ભારતીય અર્થતંત્ર અનુક્રમે 6.9 ટકા અને સાત ટકાના દરે વૃદ્ધિ પામશે. એજન્સીએ 2024 માટે ચીન માટે આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન 4.6 ટકાથી વધારીને 4.8 ટકા કર્યું છે.
ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે S&P નો ભારત માટે આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ ભારતીય રિઝર્વ બેંક (RBI) ના અંદાજ કરતા ઓછો છે. આ મહિને આરબીઆઈએ અનુમાન લગાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 7.2 ટકાના દરે વૃદ્ધિ પામશે. આ સિવાય ફિચે નાણાકીય વર્ષ 2024-2025માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી) એ સાત ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.