અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં ગત જાન્યુઆરી મહિનામાં બે લાખ કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. જેમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સના પ્રવાસીઓ સંખ્યા વધુ હતી. આ ઉપરાંત કુલ 4,251 MT કાર્ગો હેન્ડલ કરવામાં સક્ષમ રહ્યું, જે ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં હેન્ડલ કરવામાં આવેલા કાર્ગો કરતાં 20% વધુ હતું.
શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જાન્યુઆરી 2024માં મુસાફરોની અવરજવરમાં 2023ની સરખામણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. વાઈબ્રન્ટ ગુજરાત- 2024, ફિલ્મફેર એવોર્ડ્સ અને ઉત્તરાયણ જેવા વિવિધ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ્સ અને તહેવારોના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરોની ગતિવિધીઓમાં વધારો જોવા મળ્યો છે. ગત જાન્યુઆરીમાં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 2,00,199 આંતરરાષ્ટ્રીય મુસાફરોએ મુસાફરી કરી હતી, જે ગયા વર્ષની તુલનામાં 25% વધું હતી. માત્ર પ્રવાસીઓની સંખ્યામાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ (ATMs)માં પણ 41%નો ઉછાળો જોવા મળ્યો હતો. જાન્યુઆરી 2023માં તે 1,008થી વધીને જાન્યુઆરી 2024માં 1,420 થઈ છે. પ્રવાસીઓને લેઝર અને બિઝનેસ ટ્રાવેલ માટે એર ઈન્ડિયા દ્વારા લંડન, મલેશિયા એરલાઈન્સ દ્વારા કુઆલાલંપુર, થાઈ એરવેઝ દ્વારા બેંગકોક, એર એશિયા દ્વારા ડોન મુઆંગ (બેંગકોક), વિયેટજેટ દ્વારા હનોઈ અને હો ચી મિન્હ સિટી, અબુ ધાબી તેમજ ઈન્ડિગો દ્વારા જેદ્દાહ જેવા નવા સ્થળોના બહુવિધ વિકલ્પો પ્રદાન કરવામાં આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જાન્યુઆરી 2024માં એરપોર્ટની સુરક્ષા ટીમે 2,00,000થી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સામાનના કુલ 1,65,830 વસ્તુઓની તપાસ કરી હતી. પ્રતિબંધિત વસ્તુઓની તપાસ માટે 2,215 બેગની ભૌતિક તપાસ કરવામાં આવી હતી. સૌથી સામાન્ય જોવા મળતી પ્રતિબંધિત વસ્તુઓમાં કોપરા, બેટરી સેલ અને લાઇટરનો સમાવેશ થાય છે. વિલંબ અને અસુવિધા ટાળવા માટે પ્રવાસીઓને પ્રતિબંધિત કોઈપણ વસ્તુઓથી દૂર રહેવાની ભારપૂર્વક સલાહ આપવામાં આવી હતી. પેસેન્જર્સ અને કાર્ગોની સંખ્યામાં નોંધપાત્ર વધારો સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની ઓપરેશનલ કાર્યક્ષમતા દર્શાવે છે. આ વૃદ્ધિ મુસાફરોને વિવિધ પ્રવાસ વિકલ્પો, વર્લ્ડક્લાસ સુવિધાઓ અને અસાધારણ સેવાઓ પ્રદાન કરવાની એરપોર્ટની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.