દુમકા: ઝારખંડના દુમકામાં એક સ્પેનિશ દંપત્તિની સાથે અમાનવીય ઘટના બની છે. આ સ્પેનિશ મહિલાની સાથે સાતથી આઠ શખ્સોએ ગેંગરેપ કર્યો છે. વિરોધ કરવા પર સ્પેનિશ દંપત્તિને માર મારવામાં આવ્યો હતો. આ સ્પેનિશ મહિલા તેના પતિ સાથે ભારતમાં ફરવા માટે આવી હતી. પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. આ મામલામાં અત્યાર સુધીમાં ચાર શકમંદોને અટકમાં લેવામાં આવ્યા છે. આ ઘટના શુક્રવાર રાત્રિની છે. બાજપે ઝારખંડની જેએમએમ ગઠબંધન સરકારમાં મહિલાઓની સુરક્ષાના મામલે સવાલો ઉઠાવ્યા છે.
મીડિયા અહેવાલ પ્રમાણે, ઘટના દુમકાના હંસડીહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. અહીં ટૂરિસ્ટ વીઝા પર સ્પેનથી તેના પતિ સાથે આવેલી 30 વર્ષીય મહિલા એક ખેતરમાં કેમ્પ નાખીને રોકાય હતી. અહીંથી આ બંને ભાગલપુર જવાના હતા. આરોપ છે કે રાત્રિમાં લગભગ 7થી 8ની સંખ્યામાં કેટલાક લોકો કેમ્પમાં ઘૂસ્યા હતા. આ હેવાનોએ પીડિતાની સાથે બળાત્કાર કર્યો હતો.
પીડિતાના પતિએ બળાત્કારીઓને રોકવાનો પ્રયાસ કર્યો તો તેને માર મારવામાં આવ્યો. બળાત્કાર બાદ મહિલા તેના પતિની સાથે રાત્રે જ કેમ્પમાંથી નીકળી ગઈ અને રાત્રે લગભગ સાડા દશ કલાકે કુમારહાટ ચોક પર પોલીસની પેટ્રોલિંગ ટીમને જોઈને પોતાની સાથે બનેલી પાશવી હરકતની જાણકારી આપી હતી
જણાવામાં આવે છે કે હિંદીિ નહીં આવડવાના કારણે મહિલા અને તેના પતિએ ગૂગલ ટ્રાન્સલેટરના માધ્યમથી પોતાની ફરિયાદ નોંધાવી. પોલીસે સર્ચ અભિયાન ચલાવ્યું અને એક ખેતરમાંથી પીડિતાના અંડરગારમેન્ટ્સ શોધ્યા. રાત્રે જ પીડિતાને મેડિકલ માટે મોકલવામાં આવી અને તેમાં તેની સાથે ગેંગરેપ થયાની પુષ્ટિ થઈ હતી.
પોલીસે અજાણ્યા શખ્સો સામે ગેંગરેપ સહીતની અન્ય કલમોમાં એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસ માટે ડોગ સ્ક્વોર્ડ સહીત અન્ય ઈલેક્ટ્રોનિક માધ્યમોની મદદ લેવાય રહી છે. અત્યાર સુધીમાં ચાર શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને પૂછપરછ હાથ દરાય છે.
ભાજપે આ ઘટના બાદ ઝારખંડ સરકારની ઝાટકણી કાઢી છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પોતાના સંસદીય મતવિસ્તારની આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વમાં ચાલી રહેલી હાલની સરકારમાં ટ્રેનિંગ અપાય ન હોય તેવા પોલીસકર્મીઓની તહેનાતી કરવામાં આવી છે. તેની નકારાત્મક અસર કાયદો અને વ્યવસ્થાની બદહાલી તરીકે જોઈ શકાય છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ બળાત્કાર જેવી ઘટનાઓની પાછળ પ્રશાસનને જ જવાબદાર ગણાવીને પોલીસકર્મીઓને જ જેલમાં મોકલવાની માગણી કરી દીધી છે.