લો બોલો, ઉત્તરપ્રદેશમાં 5 મિનિટના સમયગાળામાં એક વ્યક્તિને અપાયા રસીના બંને ડોઝ
દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રસીકરણ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 20 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જો કે, કોરોનાની રસી બાદ તેની આડઅસર થયાની ઘટના બની નથી. જો કે, ઉત્તરપ્રદેશમાં મેડિકલ સ્ટાફની બેદરકારી સામે આવી હતી. ઉત્તરપ્રદેશના લલિતપુર જિલ્લામાં એક જ વ્યક્તિને રસીના બંને ડોઝ માત્ર પાંચ મિનિટના સમયગાળામાં આપવામાં આવી હોવાની ઘટના સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. બીજી તરફ કોરોનાની રસીના બંને ડોઝ લેવાથી યુવાનને કંઈ નહીં થવાનો તંત્રએ દાવો કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના લલિતપુર જિલ્લામાં એક વ્યક્તિને પાંચ મિનિટના સમયમાં રસીના બે ડોઝ આપવામાં આવ્યાં હોવાની પરિવારજનોએ ફરિયાદ કરી હતી. વેક્સિન લેવા ગયેલા શખ્સે આરોપ લગાવ્યો હતો કે નર્સિંગ સ્ટાફ વાતો કરવામાં એટલી વ્યસ્ત હતી કે તેણે 5 મિનીટની અંદર બીજો ડોઝ પણ આપી દીધો હતો. રસી લઈને યુવાન ઘરે પહોંચ્યો ત્યારે તેને બેચેની જવા લાગી હતી. જેથી તેણે સમગ્ર ઘટના અંગે પરિવારજનોને આક્ષેપ કર્યો હતો. કોરોનાની રસીનો એક ડોઝ લીધા બાદ ઓછામાં ઓછા ચાર સપ્તાહ બાદ બીજો ડોઝ લેવો જોઈએ. રસીકરણમાં બેદરકારની ઘટના સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. તેમજ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસનો આદેશ કર્યો છે.
સીએમઓએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની તપાસ માટે આદેશ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત બંને ડોઝ લેવાથી તે વ્યક્તિને કોઈ નુકશાન નહીં થાય તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.