Site icon Revoi.in

લો બોલો.. જેસલમેરમાં બેરોજગાર યુવાનને જીએસટીની રૂ. 1.25 કરોડની નોટિસ મળી !

Social Share

નવી દિલ્હીઃ જેસલમેરના રિડવા ગામનો બેરોજગાર યુવાન રોજગારીની શોધ કરી રહ્યો છે. દરમિયાન તેને જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની રૂ. 1.25 કરોડની નોટિસ મળતા યુવાન સ્તબ્ધ થઈ ગયો છે. એટલું જ નહીં યુવાનને દિલ્હી પણ બોલાવવામાં આવ્યો હતો. જીએસટીની નોટિસને પગલે યુવાનનો પરિવાર ચિંતામાં મુકાયો છે.

ખેડૂત નવલ રામના 25 વર્ષીય નરપતરામ મેઘવાલે કહ્યું હતું કે, નોટિસથી સમગ્ર પરિવારની ઊંઘ હરામ થઈ ગઈ છે. આજ સુધી આટલા પૈસા આજ સુધી જોયા નથી. નરપતરામે જણાવ્યું કે તે સુરતગઢમાં રહીને શિક્ષક ભરતી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. અત્યારે તે પિતા પર જ નિર્ભર છે. યુવકે કહ્યું કે 29 ડિસેમ્બરના રોજ તેના નામે કમિશનરેટ, દિલ્હી નોર્થ તરફથી GST નોટિસ આવી હતી. તેને ખોલવા પર રૂ. 1.40 કરોડનો જીએસટી ટેક્સ બાકી હોવાની નોટિસ મળી હતી. વહેલી તકે વેરો ન ભરવામાં નહીં આવે તો કાર્યવાહીની વાત લખવામાં આવી છે. નોટિસની સાથે સમન્સ જારી કરીને તેમને 9 જાન્યુઆરીએ દિલ્હી પણ બોલાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે..

યુવકે જણાવ્યું કે તેના નામે કોઈ ધંધો નથી. પિતા ખેતી કરે છે. નોટિસ બાદ પોલીસ અને અનેક વિભાગના ચક્કર લગાવ્યા પરંતુ કોઇ ઉકેલ આવ્યો ન હતો. નોટિસમાં એક ફર્મ સ્ટ્રેડ એન્ટરપ્રાઇઝિસનો ઉલ્લેખ છે. ખબર પડી કે આ પેઢી મારા પાન કાર્ડ અને આધાર કાર્ડના આધારે ચાલી રહી છે. મારી પાસે મૂળ દસ્તાવેજ છે. દસ્તાવેજની માહિતી ઓનલાઈન લઈને કોઈએ પેઢી બનાવી લીધી હોવાની શક્યતા છે.

સ્થાનિક પોલીસ અધિકારી અચલા રામ ઢાકાએ જણાવ્યું કે નરપત રામે આ મામલે ફરિયાદ કરી છે. નરપત રામને જીએસટી ઓફિસમાં નોટિસનો જવાબ મોકલવા માટે કહેવામાં આવ્યું છે. આ મામલે તપાસ કરવામાં આવશે. GST CTOનો ફોન બંધ હોવાને કારણે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.