લો બોલો, ઈરાને કરેલી સ્ટ્રાઈક મામલે ભારતની જબરજસ્તીથી એન્ટ્રી કરાવતું પાકિસ્તાન
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ પ્રમુખ અને નવાઝ શરીફના નજીકના નજમ સેઠીએ ઈરાનના મિસાઈલ હુમલાને લઈને હાસ્યાસ્પદ દાવો કર્યો છે. તેણે એક ટીવી શોમાં કહ્યું કે ઈરાને ભારતના ઈશારે પાકિસ્તાન પર હવાઈ હુમલા કર્યા હતા. તેણે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાને ભારતને સંદેશો આપવા માટે જ ભાઈબંધ દેશ સામે બદલો લીધો હતો. તે ભવિષ્ય માટે કોઈ વ્યૂહાત્મક અડચણ ઉભી કરવા માંગતો નથી. દરમિયાન સંરક્ષણ નિષ્ણાતો આ નિવેદનની મજાક ઉડાવી રહ્યા છે અને નજમ સેઠીના નિવેદનને લઈને સવાલોનો મારો શરુ કર્યો છે.
નજમ સેઠીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે,, “આની પાછળ અમારી શંકા એ છે કે ઈરાન અને ભારત ખૂબ નજીક છે. ભારત અને ઈરાન વચ્ચેના જોડાણના બે-ત્રણ પાસાઓ છે. શક્ય છે કે તેમણે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો હોય. ભારતે ઈરાનને સ્ટ્રાઈકનો આઈડિયા આપ્યો હશે. પાકિસ્તાન જવાબ આપે છે કે નહીં તે જોવા માટે ભારત ઈરાન પાસે આવી હરકતો કરાવી રહ્યું છે. તેથી ભાઈબંધ દેશ હોવા છતાં અમે એકદમ સાચો જવાબ આપ્યો છે.”
નજમ સેઠીએ વધુમાં કહ્યું કે, “અમારી જવાબી કાર્યવાહીથી ઈરાનને કોઈ સંદેશ નથી મળ્યો, પરંતુ તેમણે ભારતને આપ્યો.” મુખ્યત્વે આ ભારત માટે એક સંદેશ હતો. આ એક પ્રકારનો સંકેત આપવામાં આવી રહ્યો છે. ભારત અને ઈરાન ચૂંટણી પહેલા પાકિસ્તાનનું શોષણ કરવા માંગે છે. પાકિસ્તાને આપેલા જવાબ સાથે, એક ભાઈબંધ દેશ હોવા છતાં, તેણે ઈરાનને આ વાત કહી છે અને ભારતને પણ સંદેશ આપ્યો છે.”