લો બોલો, અમદાવાદમાં તસ્કરો ટ્રાફિક પોલીસની મેમો બુક અને વાયરલેસ સેટ ચોરી ગયા
અમદાવાદઃ શહેરમાં તસ્કરોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ તસ્કરો હવે પોલીસ અધિકારીના નિવાસસ્થાન કે પોલીસ ચોકીમાં ચોરી કરતા ખચકાતા નથી. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ટ્રાફિક ચોકીમાં કોઈ અજાણ્યા શખ્સો ઘુસીને ટ્રાફિક મેમો બુક, વાયરલેસ સેટ સહિત 8 હજારની મતાની ચોરી કરી ગયા છે. આ અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના એલ.ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ મગનભાઈ શાહીબાગ અંડરબ્રીજ બીટમાં ફરજ બજાવે છે. તેઓને વહેલી સવારની ડ્યુટી હોવાથી તેમની સાથેના ટીઆરબી જવાન અને અન્ય પોલીસના માણસો સાથે તેઓ ફરજ ઉપર આવ્યા હતા. સવારે તેઓ તેમના માણસો સાથે શાહીબાગ સર્કલ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ ઉપર હતા. ત્યારે અન્ડર બીજ ટ્રાફિક ચોકીનો દરવાજો ખુલ્લો હતો. જેથી ચોકીમાં જઈને તપાસ કરતા એક લોખંડની પેટી જણાઈ આવી નહોતી. જેથી તેઓએ તેમના પી.એસ.આઇ વી.બી ચૌહાણને આ અંગે જાણ કરી હતી.
આ પેટીમાં સરકારી સામાન રાખવામાં આવતો હતો. આ પેટીમાં 2 મેમો બુક હતી. જ્યારે એક સરકારી બુલેટની લોગબુક પણ તેમાં હતી અને સાથે એક સરકારી વાયરલેસ સેટ અને તેનું ચાર્જર હતું. આ તમામ વસ્તુઓ એક પેટીમાં રાખેલી હતી તે પેટી કોઈ અજાણ્યા શખ્શો ચોરી ફરાર થઈ ગયા હતા. જેથી આ અંગે અજાણ્યા ચોર વિરુદ્ધ તેઓએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ એક જ કરી તપાસ શરૂ કરી છે.