અમદાવાદઃ ઉનાળા વેકેશનને ધ્યાનમાં રાખીને GSRTC રાજ્યમાં દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસ સર્વિસ સંચાલિત કરશે. ઉનાળુ વેકેશન દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોએથી મુસાફરોની માંગણી ધ્યાનમાં રાખીને નિર્ણય કરાયો હોવાનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, સારી, ઝડપી અને સુરક્ષિત સેવાઓ પૂરી પાડવાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર તરફ, સૌરાષ્ટ્રથી ઉત્તર તરફ, દક્ષિણથી ઉત્તર અને સૌરાષ્ટ્ર તરફ બસ સર્વિસ સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતર-રાજ્ય બસ સર્વિસ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અંબાજી, સોમનાથ, દ્વારકા, ડાકોર, પાવાગઢ, ગીરનાર જેવા રાજ્યના ધાર્મિક સ્થળો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીર, સાપુતારા, દીવ અને કચ્છ જેવા પ્રવાસન સ્થળો ખાતે પણ બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત રાજસ્થાનમાં માઉન્ટ આબુ, સુન્ધા માતા અને મહારાષ્ટ્રમાં શિરડી, નાશીક, ધુલીયા જેવા આંતર રાજ્ય સ્થળોએ પણ મુસાફર જનતા માટે પૂરતી બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. જેનો જનતાને લાભ લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં હાલ સ્કૂલ-કોલેજમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, જેથી અનેક પરિવારો ઉનાળાના વેકેશનમાં નજીકના પ્રવાસન સ્થળો ઉપર ફરવા જવાનું પ્લાનિગ કરે છે. જેથી પ્રવાસીઓને સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે. બીજી તરફ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવાની સાથે આધુનિક સુવિધાઓ ઉભી કરાઈ છે.