Site icon Revoi.in

ગુજરાતમાં કાલે રવિવારથી 15મી માર્ચ સુધી હેલ્મેટ અને સીટબેલ્ટ ભંગ કરનારા સામે ખાસ ઝૂંબેશ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ દ્વારા આવતી કાલ તા.6ઠ્ઠી માર્ચથી 15મી માર્ચ સુધી હેલ્મેટ અને સીટબેલ્ટ ભંગ કરનારા સામે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. બાઈક કે સ્કુટર પર હેલ્મેટ ન પહેરનારા તેમજ કારમાં સીટબેલ્ટ ન બાંધનારા ચાલકો સામે દંડનીય કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના આઇજીપી પીયૂષ પટેલે પરિપત્ર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવના નામે નાગરિકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવાનું તમામ શહેરોના પોલીસ કમિશનરો, આઇજીપી અને જિલ્લાના વડાઓને સુચના આપી છે. જેમાં નિયમોનો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરીને દંડ કરવાનો ફતવો બહાર પાડયો છે.

એસટીબીના આઇજીપી પીયૂષ પટેલે કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રોડ અકસ્માતમાં સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેરતા હોવાથી મોતનું પ્રમાણ વધુ છે અથવા તો ગંભીર ઇજાઓ પહોંચી છે. રાજ્યમાં રોડ સેફ્ટીની સમયાંતરે થતી બેઠકોમાં સમીક્ષામાં બહાર આવ્યું હોવાની દલીલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં 6 માર્ચથી 15 માર્ચ 2022 સુધી ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી છે. તેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવાની વાત ઉપર ભાર મૂકવામા આવ્યો છે.

તમામ શહેરો અને જિલ્લાની સમીક્ષા કરવાના નામે રોજે-રોજ કેટલો દંડ કર્યો તેની તમામ માહિતી બીજી જ દિવસે આપી દેવાનો હુકમ કરાયો છે.આ ઉપરાંત ડીજીપી સ્ટેટ બ્રિગેડના ઇમેલ આઇ.ડી ઉપર સવારે 8 વાગ્યા સુધીમાં રિપોર્ટ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. પરિણામે અત્યાર સુધી હેલ્મેટ વિનાના અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવનારાઓને જવા દેવાતા હતા તે બંધ થશે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસને રોજના 40થી 50 મેમા વસુલવાનો ટાર્ગેટ આપવામાં આવતો હોવાના કારણે પોલીસ અને પ્રજાના ઘર્ષણના બનાવો પણ છાશવારે બનતા હોય છે. તેમ છતાં વારંવાર નિયમોના નામે સામાન્ય જનતા પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. ( file photo)