અમદાવાદઃ સિનીયર સિટીઝન્સને પોલીસ ફરિયાદ દાખલ કરવા કલાકો રાહ ન જોવી પડે તે માટે વિશેષ ડિજિટલ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેમજ અલથાણ વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો માટે લાઇબ્રેરી, હોલ અને ગાર્ડન બનાવવામાં આવશે. તેમ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરતમાં સિટીલાઈટના ગ્રીન એવેન્યુ વોકિંગ સ્ટ્રીટ ખાતે લક્ષ્મીનારાયણ સેવા સમિતિ દ્વારા નિર્મિત કબુતરઘરનું લોકાર્પણ, ચંદનપાર્ક સોસાયટી પાસે સી.સી. રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમણે સિટીલાઈટના શુભ કોમ્પ્લેક્ષ ખાતે ગંગાસ્વરૂપ બહેનોને કોવિડ-19 રિલીફ ફીડીંગ પ્રોગ્રામ અંતર્ગત સન્માન અને સહયોગ માટે અંદાજિત 200 જેટલા ગંગાસ્વરૂપ બહેનોને મંત્રીના હસ્તે ‘અક્ષય પાત્ર’ અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સિનિયર સિટીઝન એસો દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા.
સિનીયર સિટીઝન એસોસિએશનના કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું કે, વડીલોને મળવાનો, તેમની સાથે સંવાદ અને સમય વ્યતિત કરવાનો આનંદ અવર્ણનીય હોય છે. તેમનો અનુભવ જીવનમાં વધુને વધુ આગળ વધવાની પ્રેરણા આપે છે. નવી પેઢીના યુવાનોમાં સુસંસ્કાર, ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો, રિતીરિવાજોને આત્મસાત કરી અભ્યાસ, રમતગમત સહિતના ક્ષેત્રોમાં આગળ વધે તેવા પ્રયાસ કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
મંત્રીએ સિનીયર સિટીઝન્સને પોલીસ ફરિયાદ દાખલ કરવા કલાકો રાહ ન જોવી પડે તે માટે વિશેષ ડિજિટલ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેમજ અલથાણ વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો માટે લાઇબ્રેરી, હોલ અને ગાર્ડન બનાવવામાં આવશે.મંત્રીએ ગંગાસ્વરૂપ બહેનોને કીટ વિતરણ કરતા જણાવ્યું હતું કે, હવે સરકાર અસહાય મહિલાઓની હંમેશા સાથે છે. કોરોનાકાળ બાદ આવી પડેલી વિકટ સ્થિતિનો સામનો કરવા આ અક્ષયપાત્ર કીટ ઉપયોગી બની રહેશે.