ગુજરાત યુનિ.ના ખાસ પદવીદાન યોજાશેઃ ડિગ્રી મેળવવા વિદ્યાર્થીઓ 14મી જૂન સુધી કરી શકશે રજિસ્ટ્રેશન
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીનો ખાસ પદવીદાન સમારંભ આગામી મહિનાઓમાં યોજવાનું નક્કી કરાયું છે. આ પદવીદાન સમારંભમાં ડિગ્રી મેળવવા ઇચ્છતાં વિદ્યાર્થીઓને આગામી 14મી જૂન સુધીમાં ઓનલાઇન ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવવા સૂચના આપવામાં આવી છે. રજિસ્ટ્રેશનની સમયમર્યાદા પૂરી થયા પછી પદવીદાનની તારીખ સહિતની વિગતો જાહેર કરાશે.
સૂત્રોના જમાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષમાં બે વખત પદવીદાન સમારંભનુ આયોજન કરવામાં આવે છે. રેગ્યુલર પદવીદાન સમારંભમાં ચીફ ગેસ્ટને બોલાવવાથી લઇને વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવતી હોય છે, પરંતુ ખાસ પદવીદાન સમારંભમાં વિદ્યાર્થીઓના કુલપતિના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવે છે. મેડિકલ સહિતની જુદી જુદી બ્રાન્ચના વિદ્યાર્થીઓ કે જેઓ રેગ્યુલર પદવીદાન સમારંભમાં ડિગ્રી મેળવી શક્યા ન હોય તેઓ માટે આ વધારાનો ખાસ પદવીદાન સમારંભ યોજવામાં આવતો હોય છે. મુખ્ય પદવીદાનમાં અંદાજે 50 હજારથી વધુ વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવે છે. જેની સામે ખાસ પદવીદાનમાં 5થી 10 હજાર જેટલા અથવા તો તેના કરતાં પણ ઓછા વિદ્યાર્થી ડિગ્રી મેળવતાં હોય છે.
યુનિવર્સિટી દ્વારા આ ખાસ પદવીદાનમાં ડિગ્રી મેળવવા ઇચ્છતાં વિદ્યાર્થીઓને 14મી જૂન સુધીમાં રજિસ્ટ્રેશન કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જે એવી સૂચના આપવામાં આવી છે કે, એપ્રિલ-મે 2021માં પાસ થયેલા વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર માટે હાલમાં આવેદનપત્ર ભરવાનું રહેતું નથી. જો આ વિદ્યાર્થીઓ અરજી કરશે તો પણ તે રદ ગણવામાં આવશે. યુનિવર્સિટીની પરીક્ષામાં પાસ થયેલા અને અગાઉ જે વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી નથી તેવા તમામ વિદ્યાર્થીઓ ઓનલાઇન આવેદનપત્ર ભરી શકશે. આ આવેદનપત્ર સાથે રૂ.260 ઓનલાઇન ફી ભરવાની રહેશે. બેચરલ ઓફ ફાર્મસી અને ડિપ્લોમા ઇન ફાર્મસીના વિદ્યાર્થીઓએ કોલેજ દ્વારા આપવામાં આવેલા પાસીંગ સર્ટિફિકેટની નકલ ઓનલાઇન અપલોડ કરવાની રહેશે. પદવી પ્રમાણપત્રમાં વિદ્યાર્થીઓનો ફોટો અને આધારકાર્ડ નંબર દર્શાવવાનો હોવાથી ઓનલાઇન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓએ આધારાકાર્ડ નંબર પર આપવાનો રહેશે. રજિસ્ટ્રેશનની મુદત પૂરી થયા બાદ કોન્વોકેશન ક્યારે યોજવામાં આવશે તેની તારીખ સહિતની જાહેરાત કરવામાં આવશે.