દિલ્હીના ડોક્ટરોએ કેન્સરના દર્દીઓની મદદ માટે ખાસ પહેલ કરી છે. આ પહેલ હેઠળ કેન્સર મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં તબીબોએ ફ્રી હેલ્પલાઈન સેવા શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત કેન્સરના દર્દીઓ કેન્સરના નિદાન અને સારવાર વિશે સીધા જ ઓન્કોલોજિસ્ટ પાસેથી સલાહ મેળવી શકશે. હેલ્પલાઈન સહાય બિલકુલ મફત રહેશે.
‘કેન્સર ફ્રી ઈન્ડિયા’ ઝુંબેશ હેઠળ, દિલ્હીમાં ડૉક્ટરોએ કેન્સરના દર્દીઓને નિદાન અને સારવાર અને સંબંધિત માર્ગદર્શન મેળવવા માટે હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે. દેશના કોઈપણ ખૂણેથી કેન્સરના દર્દીઓ હેલ્પલાઈન નંબર 9355520202 પર ફોન કરીને તેમની બીમારી વિશે પૂછશે તો કોઈપણ પૈસા લીધા વિના તેમના પ્રશ્નોના જવાબ મફતમાં આપવામાં આવશે. ડોક્ટરોને આશા છે કે, કેન્સર સામેની લડાઈમાં આ એક મોટું ગેમ ચેન્જર સાબિત થશે.
આ હેલ્પલાઇન સોમવારથી શનિવાર સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ નંબર પર ફોન કરીને કેન્સરના દર્દીઓ સીધા ઓન્કોલોજિસ્ટ સાથે વાત કરી શકે છે. આ માટે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. આ નંબર પર વીડિયો કૉલ પણ કરી શકે છે.
આ અભિયાન સાથે જોડાયેલા ડો.આશિષ ગુપ્તાના જણાવ્યા અનુસાર, જો સારવાર છતાં દર્દીની સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી, તો તે સરળતાથી સલાહ લઈ શકે છે. એક રીતે આ અભિયાન કેન્સરના દર્દીઓમાં કેન્સર જેવી ગંભીર બીમારી વિશે જાગૃતિ ફેલાવવા માટે પણ કરવામાં આવ્યું છે. જેથી દર્દીઓને તેમના રોગને લગતી યોગ્ય સારવાર અને માહિતી મળી શકે.