અમદાવાદઃ ઓસ્ટ્રેલિયાના પીએમ ગઈકાલે ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યાં હતા. બંને દેશના પીએમ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસની મેચ નીહાળવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યાં હતા.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મિત્રતાના 75 વર્ષની ઉજવણી છે. BCCI પ્રમુખ રોજર બિન્નીએ ઓસ્ટ્રેલિયન વડા પ્રધાનને મોમેન્ટો આપીને આવકાર્યા હતા. આ પછી, બંને દેશોના વડા પ્રધાને પોતપોતાના કેપ્ટનોને ટેસ્ટ કેપ સોંપી અને ગોલ્ફ કાર્ટમાં બેસીને આખા મેદાનનો એક રાઉન્ડ લીધો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પોતાના પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો છે. પ્લેઈંગ-11ની જાહેરાત કરતા રોહિતે કહ્યું કે મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે અને તેની જગ્યાએ મોહમ્મદ શમીને તક મળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એન્થોની અલ્બેનીઝ મેચ જોવા પહોંચ્યા હતા. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની 75 વર્ષની મિત્રતાનું સ્મારક પણ બની રહી છે. બંને દેશોના વડાપ્રધાનના સ્વાગત માટે સ્ટેડિયમ પરિસરમાં વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. હોર્ડિંગ્સ પર ખાસ પંચલાઇન લખવામાં આવી છે “ક્રિકેટ દ્વારા મિત્રતાના 75 વર્ષ”.
હોર્ડિંગ્સમાં બંને દેશોના ભૂતકાળ અને વર્તમાન ક્રિકેટના દિગ્ગજો પણ દર્શાવવામાં આવ્યા હતા. દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય અને વર્તમાન કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ બંને વડાપ્રધાનોને ભૂતકાળ અને વર્તમાન ક્રિકેટરો વિશે માહિતી આપી, જેમના ફોટોગ્રાફ્સ એક સુંદર કોલાજમાં એકસાથે મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં, બંને વડાપ્રધાનોએ રાષ્ટ્રગીત પહેલા તમામ ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો અને ખેલાડીઓ સાથે રાષ્ટ્રગીતમાં જોડાયા.