અમદાવાદઃ મહિલાઓએ દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન મેળવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણમાં થયેલા વધારાના કારણે મહિલાઓને વિશેષ મહત્વ મળી રહ્યું છે. દરમિયાન ગીરસોમનાથમાં વિઠ્ઠલપુરમાં મહિલાઓ માટે ખાસ બસ સ્ટેન્ડ ઉભુ કરવામાં આવ્યું છે. જેથી હવે ગામની મહિલાઓ સરળતાથી બસમાં મુસાફરી કરી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામમાં પાંચ હજારની વસતી છે. ગામના યુવા સરપંચે પોતાની કુનેહથી મહિલાઓ માટે ખાસ અલગ બસ સ્ટેન્ડ બનાવ્યું છે. આ અત્યાધુનિક બસ સ્ટેન્ડ પર મોબાઈલ ચાર્જિંગ, ટીવી, સીસીટીવી અને ડિજિટલ લાઈટ સિસ્ટમ પણ લગાવાઈ છે. તો બસનું સમયપત્રક પણ લગાવાયું છે. સરપંચનું કહેવું છે કે આ સુવિધાથી મહિલાઓનું માન પણ જળવાશે અને આસપાસના લોકોને વિકાસ કાર્યો માટે શીખ પણ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના માર્ગો ઉપર એસટીની બસો દોડે છે. જેમાં મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા રાખવામાં આવે છે. જો કે, એસટી બસમાં મહિલા મુસાફરોની સીટ ઉપર પુરુષો પણ બેઠા હોય છે. ત્યારે પાંચ હજારની વસતી ધરાવતા વિઠ્ઠલાપુર ગામના સરપંચે મહિલાઓ માટે આધુનિક સુવિધા સાથેનું બસ સ્ટેન્ડ તૈયાર કરાવીને અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યું છે.