નવરાત્રિમાં માતાજીની આરાધના સાથે કળશ સ્થાપનાનું વિશેષ મહત્વ
ગુજરાતમાં ધાર્મિક માહોલમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે યુવાનો નવરાત્રિમાં ગરબે ગુમવા થનગની રહ્યાં છે. નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની ધાર્મિક વિધિઓ અનુસાર પૂજા કરવામાં આવે છે. આ ઉપવાસ નવ દિવસ સુધી રાખવામાં આવે છે. આ પવિત્ર તહેવારની શરૂઆત શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન કરીને કરવામાં આવે છે અને કન્યા પૂજન સાથે ઉત્સવની સમાપ્તિ થાય છે. આ વર્ષે શારદીય નવરાત્રી ઉત્સવ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 4 ઓક્ટોબર સુધી ચાલશે.
ઘટસ્થાપનનો શુભ સમય 26 સપ્ટેમ્બર 2022ના રોજ સવારે 6.11 થી 7.51 સુધીનો રહેશે. આ ઉપરાંત તે જ દિવસે બપોરે 12.06 થી 12.54 સુધી અભિજિત મુહૂર્ત છે.
આસો નવરાત્રિ મહોત્સવની તિથીઓ
નોરતુ તારીખ માતાજીના નવ સ્વરૂપ
પ્રથમ 26 સપ્ટે.2022 માં શૈલપુત્રી
બીજુ 27 સપ્ટે.2022 માં બ્રહ્મચારિણી
ત્રીજુ 28 સપ્ટે.2022 માં ચંદ્રઘંટા
ચોથું 29 સપ્ટે.2022 માં કુષ્માંડા
પાંચમું 30 સપ્ટે.2022 માં સ્કંદમાતા
છઠ્ઠુ 01 ઓક્ટો.2022 માં કાત્યાયની
સાતમું 02 ઓક્ટો.2022 માં કાલરાત્રિ
આઠમું 03 ઓક્ટો.2022 માં મહાગૌરી
નવમું 04 ઓક્ટો.2022 માં સિદ્ધિદાત્રિ
- કળશ સ્થાપના વિધિ
સૌથી પહેલા ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં પૂજા સ્થળ પસંદ કરી, તેને ગંગાજળથી સાફ કરવી જોઈએ. આ પછી માતાજીના સ્થાપના માટે ચોકી બનાવીને તેની ઉપર લાલ કપડું પાથરીને માતાજીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. નાળિયરને લાલ ચુંદડીથી બાંધીને કળશ ઉપર મુકવું જોઈએ, કળશમાં પાણી ભરીને અંદર બે લવિંગ, સોપારી, આખી હળદર, દૂર્વા અને રૂ. એકનો મુકવો જોઈએ. આ કળશને માતાની મૂર્તિની જમણી બાજુ રાખવું જોઈએ. જે બાદ મંત્ર સાથે મા દુર્ગાનું આહવાન કરવું જોઈએ.
- આસો નવરાત્રિનું મહત્વ
હિન્દુ સંસ્કૃતિમાં આસો નવરાત્રીમાં માં શક્તિની પૂજા-અર્ચનાનો શ્રેષ્ઠ સમય છે. નવરાત્રિમાં નવ દિવસ દરમિયાન, દરરોજ માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, નવરાત્રિનો દરેક દિવસ દેવીના ચોક્કસ સ્વરૂપને સમર્પિત છે અને દરેક દેવીની કૃપાથી અલગ-અલગ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત સાચા હૃદયથી શારદીય નવરાત્રિનું વ્રત કરે છે, દેવી દુર્ગા દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર કરે છે અને તેને સુખી અને સમૃદ્ધ જીવન આપે છે. આ વ્રતથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.