રાજકોટઃ પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતના ઓખા અને અરૂણાચલ પ્રદેશના નાહરલગુન વચ્ચે સ્પેશિયલ ભાડા પર હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આ ટ્રેન 7મી માર્ચના રોજ રાત્રે 10 કલાકે ઓખાથી ઉપડશે. અને શુક્રવારે સાંજે 4 કલાકે નાહરલગુન પહોંચશે. જ્યારે 11મી માર્ચ શનિવારના રોજ ટ્રેન નાહરલગુનથી સવારે 10.00 કલાકથી રવાના થશે અને મંગળવારે બપોરે 03.35 વાગ્યે ઓખા પહોંચશે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ઓખા- નાહરલગુન વચ્ચે દોડનારી ટ્રેન બંને દિશાઓમાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા સહિતના સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લિપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે. આ ટ્રેનના બુકિંગનો પ્રારંભ થયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, દક્ષિણ રેલવેના મદુરાઈ યાર્ડમાં નૉન-ઈન્ટરલોકિંગ કામગીરી, મદુરાઈ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે, રાજકોટ ડિવિઝનની ઓખા-રામેશ્વરમ આંશિક રીતે રદ રહેશે. 28 ફેબ્રુઆરીના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન ઓખા-રામેશ્વરમ ઓખાથી સેલમ સ્ટેશન જશે. આ ટ્રેન સેલમ-રામેશ્વરમ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ટ્રેન નમક્કલ, કરુર, ડિંડીગુલ, મદુરાઈ, મનમદુરાઈ, પરમાકુડી, રામનાથપુરમ, મંડપમ અને રામેશ્વરમ નહીં જાય. જ્યારે 3 માર્ચના દેવબંદ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ડાઇવર્ટ રૂટ પર દોડશે આ ટ્રેન ઓખાથી નવી દિલ્હી-તિલક બ્રિજ-દિલ્હી શાહદરા-નોલી-શામલી-ટપરી થઈને ચાલશે. તેમજ ગાઝિયાબાદ, મોદીનગર, મેરઠ સિટી, મુઝફ્ફરનગર અને દેવબંદ સ્ટેશન પરથી ટ્રેન દોડશે નહીં. જ્યારે ઓખા નાહરલગુન ટ્રેન ઓખાથી 7મી માર્ચે ઉપડીને 11મી માર્ચે નાહરલગુન પહોંચશે, આ ટ્રેનનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.