Site icon Revoi.in

નરેશ પટેલ ક્યા પક્ષમાં જોડાશે, રાજકિય પ્રવેશ અંગેની અટકળોનો સપ્તાહમાં અંત આવશે

Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં ખોડલધામના પ્રમુખ અને સામાજિક અગ્રણી ગણાતા નરેશ પટેલના રાજકીય પ્રવેશ વિશે લાંબા વખતથી ચાલતી અટકળો અને અનુમાનોનો ચાલી રહ્યા છે. નરેશ પટેલને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોડાણ માટે આમંત્રમ આપ્યુ છે. પણ ક્યા પક્ષમાં જોડાશે તે અંગે નરેશ પટેલ દરેક પક્ષના આગેવાનોને લલચાવી રહ્યા છે. હવે નરેશ પટેલે આવતા સપ્તાહમાં રાજકીય પક્ષમાં જોડાવવાની વિધિવત જાહેરાત કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ નરેશ પટેલને રાજકિય પક્ષમાં જોડાવવા માટે ખોડલધામની કમિટીએ અનુમતી આપી દીધી છે. ખોડલધામની રાજકીય કમિટીનો રિપોર્ટ શુક્રવારે આવી જશે તેના પર શનિવારે આખરી ચર્ચા થયા બાદ આવતા સપ્તાહમાં નરેશ પટેલ રાજકીય એન્ટ્રીનો આખરી ફેંસલો લેશે. ખુદ નરેશ પટેલ પણ વ્હેલીતકે હવે સસ્પેન્સ હટાવવાના મૂડમાં છે. તેમના દ્વારા હાથ ધરાયેલા પૂર્વ સર્વેક્ષણોનો રિપોર્ટ આવવામાં છે અને તેના આધારે તેઓ આખરી નિર્ણય  લેશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ખોડલધામની રાજકીય કમિટીને કામ સોંપવામાં આવ્યું હતું. કમિટી દ્વારા અગાઉ વચગાળાનો રિપોર્ટ આપી દેવાયો જ હતો. હવે આખરી રિપોર્ટ પણ શુક્રવારે સોંપી દેવામાં આવશે. તેના પર શનિવારે ખોડલધામની મહત્વની બેઠક યોજાશે અને તેમાં વિસ્તૃત ચર્ચા થશે અને તેના આધારે નરેશ પટેલ આવતા સપ્તાહમાં રાજકીય એન્ટ્રીનો આખરી ફેંસલો જાહેર કરી દેશે. જોકે સમાજના વડીલો હજુ નરેશ પટેલને રાજકારણમાં સક્રિય થવાની વિરુધ્ધમાં જ છે. જ્યારે યુવાવર્ગ સો એ સો ટકા ખોડલધામ ચેરમેનને રાજકારણમાં ઝુકાવવાનો અભિપ્રાય આપી રહ્યા છે. અલબત વડીલોમાં પણ એક જ વર્ગ નરેશ પટેલને માટે ‘રેડ સિગ્નલ’ રાખી રહ્યો છે, જ્યારે એક મોટો વર્ગ તેમના રાજકીય પ્રવેશની વિરુધ્ધમાં નથી પરંતુ અત્યંત લાંબા ગાળાનું વિચારીને અને સમાજના દરેક વર્ગનું વિચારીને આગળ વધવાની સલાહ આપતો હોવાનું ચિત્ર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે ખોડલધામની રાજકીય કમિટી ઉપરાંત રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર મારફત પણ સર્વે કરાવ્યો છે અને આ બંને સર્વેના સંકલીત તારણના આધારે જ તેઓ રાજકીય નિર્ણય લેવાના છે. અત્યાર સુધીમાં તેઓ દ્વારા ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આપના નેતાઓ સાથે પણ એકથી વધુ વખત બેઠક કરવામાં આવી જ છે. તેઓ ક્યા પક્ષ સાથે જોડાશે તે વિશે જબરી રાજકીય ઉત્તેજના છે. હવેનું એક સપ્તાહ રાજકીય ઉત્તેજનાભર્યુ બનવાનું મનાય છે.