સૂર્યાકુમાર યાદવને ટી20 ટીમનો કેપ્ટન બનાવતા હાર્દિક પંડ્યા નારાજ હોવાની અટકળો
નવી દિલ્હીઃ તાજેતરમાં જ ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બન્યો હતો. આ પછી ભારતીય ટીમમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે, એટલું જ નહીં સૂર્યકુમાર યાદવને ભારતીય T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ આ પછી રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું છે. જે બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે, રોહિત શર્માના નિવૃત્તિ બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટી-20 ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવશે, પરંતુ હાર્દિક પંડ્યા કરતાં સૂર્યકુમાર યાદવને પ્રાધાન્ય મળ્યું છે. સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં મુખ્ય કોચ ગૌતમ ગંભીરની મોટી ભૂમિકા હોવાનું માનવામાં આવે છે.
હાલમાં ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે છે. ભારત-શ્રીલંકા સીરીઝની શરૂઆત પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂર્યકુમાર યાદવના કેપ્ટન બન્યા બાદ હાર્દિક પંડ્યા ભારતીય ટીમની પહેલી ટીમ હર્ડલમાં આવ્યો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પંડ્યા સૂર્યકુમાર યાદવના કેપ્ટન બનવાથી ઘણો નારાજ છે. જોકે, તાજેતરમાં જ BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવા અંગે સ્પષ્ટતા કરી હતી.
બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સૂર્યકુમાર યાદવની ફિટનેસ હાર્દિક પંડ્યા કરતા સારી છે. હાર્દિક પંડ્યા સતત ઈજાનો સામનો કરી રહ્યો છો, આ સિવાય સૂર્યકુમાર યાદવે બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. મુખ્ય પસંદગીકાર અને મુખ્ય કોચે પણ સ્પષ્ટ કર્યું છે કે હાર્દિક પંડ્યા એક મહત્વપૂર્ણ ખેલાડી છે, પરંતુ સુકાનીપદ માટે સૂર્યકુમાર યાદવ વધુ સારો વિકલ્પ હતો. આ પહેલા તાજેતરમાં જ ભારતીય ટીમે રોહિત શર્માના નેતૃત્વમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા હતો.