Site icon Revoi.in

અમદાવાદમાં AMTS બસ દ્વારા વધતા જતા અકસ્માતને લીધે સ્પીડ નિયંત્રણનો કરાયો નિર્ણય

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.સંચાલિત એએમટીએસ બસના અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. પૂરફાટ ઝડપે બસો હંકારવામાં આવતી હોવાની લોકોમાંથી ફરિયાદો ઉઠી છે. ત્યારે શહેરના જોધપુર ચાર રસ્તા પાસે રવિવારે એએમટીએસ બસના ચાલકે  આઠ જેટલા વાહનોને અડફેટે લઈને અકસ્માત સર્જાયો હતો. આથી હવે  એએમટીએસના સત્તાધિશો દ્વારા બેફામ દોડતી બસોની સ્પીડને નિયંત્રણ કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે એઅમટીએસ બસોના ચાલકો 45 કિ.મી પ્રતિ કલાકથી વધુની સ્પીડે બસ હંકારી શકાશે નહીં.

એએમટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના જોધપુર ચાર રસ્તા પાસે સર્જાયેલા અકસ્માત બાદ તંત્રએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં એઅમટીએસની મહત્તમ સ્પીડ 50થી 60 કિ.મી પ્રતિ કલાકના બદલે ઘટાડીને 40થી 45 કિ.મી પ્રતિ કલાકની કરવાનો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં જોધપુર ચાર રસ્તા પાસે આવેલા સ્ટાર બઝાર નજીક એએમટીએસ બસના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા અને કાર સહિત આઠ જેટલા વાહનોને અડફેટે લેતા નાસભાગ મચી હતી. અકસ્માતમાં પાંચ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  પ્રાથમિક તપાસમાં એએમટીએસ બસની બ્રેક ફેઇલ થવાને લીધે અકસ્માત સર્જાયો હતો. આ અંગે  એન ડીવીઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. રવિવારે રાતના સાડા નવ વાગે ઇસ્કોન સર્કલ તરફથી એક એએમટીએસની બસ પુરઝડપે આવી હતી અને સિગ્નલ બંધ હોવાથી ધડાકાભેર એક પછી એક આઠ વાહનો સાથે અથડાઇ હતી. જેના કારણે નાસભાગ મચી ગઇ હતી. જો કે થોડે દુર બાદ  બસ ઉભી રહી હતી. જેમાં ત્રણ કાર, બે રીક્ષાઓ અન્ય ટુ વ્હીલરને ભારે નુકશાન થયું હતું. અકસ્માતને પગલે ટ્રાફિકની સ્થિતિ સર્જાય હતી.