SPG ડાયરેક્ટર અરુણ કુમાર સિન્હાનું નિધન,આજે સવારે મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
દિલ્હી: દેશના વડાપ્રધાનની સુરક્ષા માટે જવાબદાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના ડાયરેક્ટર અરુણ કુમાર સિન્હાનું બુધવારે સવારે નિધન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે 61 વર્ષીય સિન્હાને ખરાબ તબિયતના કારણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેરળ કેડરના 1987 બેચના IPS અધિકારી સિન્હાને તાજેતરમાં એસપીજીના ડિરેક્ટર તરીકે એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.
અરુણ કુમાર સિન્હા માર્ચ 2016થી એસપીજી ચીફ તરીકે ફરજ બજાવતા હતા. વડાપ્રધાન અને પૂર્વ પીએમની સુરક્ષાની જવાબદારી SPG પર છે.
અરુણ કુમાર સિન્હા કેરળમાં પોલીસ વિશેષ સેવાઓ અને ટ્રાફિકના વધારાના મહાનિર્દેશક રહી ચૂક્યા છે. આ પછી જ તેમને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર બોલાવવામાં આવ્યા હતા. તેણે એક વર્ષ સુધી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં પણ સેવા આપી હતી. એકે સિન્હાએ દેશભરના પોલીસ દળોમાંથી પસંદ કરાયેલા લગભગ 3000 ક્રેક કમાન્ડોની ટીમનું નેતૃત્વ પણ કર્યું છે.
સિન્હાએ પોતાનો અભ્યાસ ઝારખંડથી કર્યો હતો. તેઓ કેરળ પોલીસમાં ઘણા મહત્વના હોદ્દા પર હતા. તેમણે ડીસીપી, કમિશનર, રેન્જ આઈજી, ઈન્ટેલિજન્સ આઈજી અને એડમિનિસ્ટ્રેશન આઈજી જેવા પદો સંભાળ્યા હતા.
ઈન્દિરા ગાંધીની 31 ઓક્ટોબર 1984ના રોજ હત્યા કરવામાં આવી હતી. આ પછી 1988માં સંસદમાં SPG એક્ટ પસાર થયો અને SPGની રચના કરવામાં આવી. તે સમયે પણ વર્તમાન વડાપ્રધાનને જ સુરક્ષા આપવાની જોગવાઈ હતી. ભૂતપૂર્વ વડા પ્રધાનોને નહીં.
આ જ કારણ હતું કે 1989માં વીપી સિંહની સરકારે રાજીવ ગાંધીનું એસપીજી કવર હટાવી દીધું હતું. રાજીવ ગાંધીની પણ 1991માં હત્યા કરવામાં આવી હતી. આ પછી SPG એક્ટમાં સુધારો કરવામાં આવ્યો. પૂર્વ વડાપ્રધાનો અને તેમના પરિવારજનોને પદ પરથી હટાવ્યા બાદ 10 વર્ષ સુધી SPG સુરક્ષા મળશે તેવી જોગવાઈ કરવામાં આવી હતી.