રાજકોટઃ જિલ્લાના ધોરાજીથી પસાર થતી ભાદર ડેમની કેનાલ અત્યંત દુષિત છે. કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવ્યું છે. કેનાલનું પાણી એટલું દુષિત છે કે પિયત માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. કેનાલમાં ઉગી નીકળેલું ઘાસ અને કચરાને લીધે કેનાલ ઊભરાઈ રહી છે. પણ સિંચાઈ વિભાગના અધિકારીઓને એ નથી દેખાતું. જેના કારણે ધોરાજી વિસ્તારના ખેડૂતોએ સ્વયંભૂ કેનાલની સાફ સફાઈ શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધોરાજી પંથકના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે ખેડૂતોને કેનાલ મારફત પાણી આપવાનો નિર્ણય કર્યો હતો. એ માટે ધોરાજી સિંચાઈ વિભાગ દ્વારા ભાદર ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી તો છોડવામાં આવ્યું, પરંતુ કેનાલ સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, કેનાલ એટલી હદે દૂષિત છે કે તેમાં ઝાડી ઝાંખરા અને વૃક્ષોના પાંદડા સહિત પ્લાસ્ટિક પ્રતિબંધિત જથ્થો પણ જોવા મળી રહ્યો છે. જેને કારણે પાણી દુષિત થયું છે અને જો આ પાણી પાકને પિયત માટે આપવામાં આવે તો પાકને નુકસાન થાય એમ છે. આથી ધોરાજીના ખેડૂતો કેનાલમાંથી આવી રહેલા દૂષિત પાણીને લીધે ચિંતામાં છે, ખેડૂતોનો હજારો હેકટરનો પાક જોખમમાં છે. હવે ખેડુતો જાતે જ કેનાલ સાફ કરવા મજબૂર બન્યા છે.
સિચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ કેનાલને યોગ્ય સમયે સાફ કરવામાં આવી છે. સફાઈનું કામ પૂર્ણ થયા બાદ કેનાલમાં પાણી વહેવડાવામાં આવ્યું છે, અને 20 લાખ રૂપિયાના ખર્ચે કેનાલની સફાઈ કરી દેવાઈ છે. જો કે સવાલ એ થાય કે, કેનાલની સફાઈ વગર પાણી કેમ છોડવામાં આવ્યું. શું ખેડૂતોને પિયતમાં થનારા નુકસાનની કોઈને નથી પડી ? ખેડુતોએ એકઠા થઈને જાતે જ કેનાલની સફાઈનું કામ આદર્યું છે. (file photo)