- કોરોનાનું સંક્રમણ અટકાવવા હવે પ્રજાનો નિર્ણય
- સરકારે પણ જનતાને નિર્ણયને આવકાર્યો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હાઈકોર્ટે તાજેતરમાં સંક્રમણ અટકાવવા માટે વીકએન્ડ લોકડાઉન અંગે સરકારને સૂચન કર્યું હતું. જેથી સરકારે નિયંત્રણો વધારે લગાવીને સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, રોજ કમાઈ ખાનાર લોકોનુ ચિંતા સરકારે કરી છે. લોકો બિનજરૂરી બહાર ના નિકળે તેની પણ ચિંતા કરફ્યુ નાખીને કરી છે. લોકડાઉન લગાવવાનું નથી. જો કે, હવે લોકોએ જાગૃતિ દાખવીને અનેક ગામો અને નગરોમાં શનિવાર અને રવિવાર સ્વયંભૂ બંધ તથા સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો છે. વિવિધ સંસ્થા અને ગ્રામજનોના આ નિર્ણયને સરકારે પણ આવકાર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલામાં સાત દિવસનું આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢના કેશોદ, કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામમાં, રાજકોટના ગોંડલમાં સુરતના માંડવી, બારડોલી, તરસાડી અને કોસંબા, અરવલ્લીના ભિલોડા અને દાહોદના કતવારા ગામમાં બે દિવસનું વીકએન્ડ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે, લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટનું સોની બજાર બે દિવસ બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય કર્યો છે. જ્યારે જામનગરના લાલપુરમાં રવિવાર અને સોમવારે વેપાર-ધંધો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટમાં ખીરસરા ગામમાં સવારે 10થી સાંજના 5 કલાક સુધી સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો છે. ગીર સોમનાથના વેપાવળ, દ્વારકાના ભાટિયા, લાઠીના અકાળા અને ગાંધીનગરના અડાલજમાં આંશિક લોકડાઉન અને સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો છે.