વ્યાયામ શિક્ષકોની ખાલી જગ્યાઓ માટે ખેલ અભિરૂચિ કસોટી રાજકોટમાં 29મી નવેમ્બરે યોજાશે
રાજકોટઃ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વ્યાયામ શિક્ષકોની ખાલી જગ્યાઓ માટે આગામી 29મી નવેમ્બરના રોજ ખેલ અભિરુચિ કસોટી યોજાશે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના ઉમેદવારો પરીક્ષા આપવા માટે રાજકોટ આવશે. જેમાં 995 ઉમેદવારો વ્યાયામ શિક્ષક બનવા માટેની પરીક્ષા આપશે. આ પરીક્ષાને લઈને રાજકોટ સહિત તમામ જિલ્લાઓના શિક્ષણ અધિકારીની વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં પરીક્ષાના આયોજન બાબતની તમામ ચર્ચાઓ કરવામાં આવી હતી.
રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) નમ્રતાબેન મહેતાએ જણાવ્યું હતું કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 29મી નવેમ્બરને બુધવારના રોજ ખેલ અભિરુચિ કસોટી યોજાશે, જેના ભાગરૂપે રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, પોરબંદર જિલ્લાઓના ઉમેદવારો ખેલ અભિરુચિ કસોટી આપશે. રાજકોટ શહેરના 4 બિલ્ડિંગના 36 પરીક્ષા કેન્દ્રો પરથી બપોરે 12થી 1.30 દરમિયાન પરીક્ષા યોજાશે. આ પરીક્ષાનું પેપર 100 માર્કસનુ હશે અને એક ગુણનો 1 એમ 100 ગુણના 100 MCQ હશે. વીડિયો કોન્ફરન્સમાં પરીક્ષાના આયોજન બાબતની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર સુપરવિઝન માટેની સૂચનાઓ પણ અપાઈ હતી. રાજકોટ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય, વડોદરા અને સુરત જિલ્લામાં આ પરીક્ષા લેવાશે.
રાજ્ય પરીક્ષા બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અને સી. પી. એડ./ડી. પી. એડ., બી. પી. એડ અથવા બી. એ. ઈન યોગ અથવા બી. એસસી. ઈન યોગ અથવા બી.પી.ઈ.ની લાયકાત ધરાવતા ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓમાં અંદાજિત 5 હજાર જેટલી જગ્યાઓ પર વ્યાયામ શિક્ષકોની ભરતી માટેની અગાઉ ઓગસ્ટ માસમાં ગોઠવેલી પરીક્ષા મોકૂફ રહી હતી. જે બાદ હવે નવેમ્બરના અંતમાં ખેલ અભિરૂચિ કસોટી લેવાનું આયોજન કરાયુ છે. અગાઉ આ પરીક્ષા માટેની વય મર્યાદા 35 હતી. જે બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વય મર્યાદા વધારી 38 કરવાનો નિણર્ય લેવાયો. જે પછી હવે 29મી નવેમ્બરના પરીક્ષા લેવાશે. લાંબા સમય બાદ રાજ્ય સરકાર દ્વારા વ્યાયામ શિક્ષકોની ભરતી થતાં ખેલકૂદના શિક્ષકોમાં ખુશી ફેલાઈ છે. આ પરીક્ષા બાદ સરકારી શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી થશે. (file photo)