Site icon Revoi.in

વાંચો પ્રણતિ નાયક વિશે – ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી ભારતની એકમાત્ર જીમનાસ્ટ

Social Share

નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોથી 5126 કિલોમીટર દૂર પશ્વિમ બંગાળના પશ્વિમ મિદનાપુર સ્થિત કરકઇ ગાવ ઓલિમ્પિક શરૂ થવાની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યું છે. આ ગામની પુત્રી એવી પ્રણતિ નાયક ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી એકમાત્ર જિમનાસ્ટ છે.

પ્રણતિ નાયકના પરિવારે પ્રણતિના ઓલિમ્પિક સફર અંગે વાત કરતા કહ્યું હતું કે, જ્યારે તે સ્કૂલ જતી હતી ત્યારે અમે પ્રણતિને અનેક પ્રકારની કલાબાજી કરતા જોઇ છે. સ્કૂલમાં, તેણે અનેક રમતમાં ભાગ લઇને જીત હાંસિલ કરી હતી. ત્યાંથી તે બ્લૉક, જિલ્લા અને બાદમાં રાજ્ય સ્તરે અનેક પ્રતિયોગિતામાં ભાગ લેવા પહોંચી.

તેમના માતા-પિતાએ જણાવ્યું કે, તેમની પુત્રીએ અનેક ટૂર્નામેન્ટમાં જીત બાદ પણ તેને કોઇ માર્ગ કે યોગ્ય પ્લેટફોર્મ મળ્યું નહીં. વર્ષ 2013-14 નેશન ગેમ્સમાં સ્વર્ણ પદક જીત્યા બાદ જ SAI હેઠળ માર્ગદર્શન મળ્યું.

પ્રણતિના પિતાએ વધુમાં ઉમેર્યું કે, કરકઇમાં જીમનાસ્ટને તાલીમ આપવા માટે કોઇ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. મિદનાપુરમાં પણ નથી. દરેક વસ્તુ માટે કોલકાતા જવું પડે છે. સરકારને વિનંતી છે કે દેશના અંતરિયાળ અને દૂરના ગામમાં રહેતા આવા પ્રતિભાશાળી યુવાઓ માટે સરકાર તાલીમ કેન્દ્ર બનાવે.

પ્રણતિનીની માતાએ જણાવ્યું કે, તેમની પુત્રી લક્ષ્યો પ્રત્યે કટિબદ્વ હતી અને તેના હાંસિલ કરવા માટે દરેક સંઘર્ષ કર્યો છે. અનેક માતા-પિતા પોતાની પુત્રીઓના લગ્ન નાની ઉંમરે કરે છે. તે ખોટી બાબત છે. પુત્રીઓને સહયોગ આપવો જોઇએ. મારી ત્રણેય પુત્રીઓ શિક્ષીત છે. પ્રણતિ રમતમાં કારકિર્દી બનાવવા ઇચ્છતી હતી અને એટલે જ અમે તેનું સમર્થન કર્યું.

નોંધનીય છે કે, વર્ષ 2016માં રિયો ઓલિમ્પિકમાં પૂર્વોત્તર રાજ્યની દીપા કરમાકરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઓલિમ્પિકમાં ભાગ લેનાર તે ભારતની પ્રથમ જીમનાસ્ટ હતી ત્યારે હવે વર્ષ 2021માં સૌની નજર પ્રણતિ નાયક પર હશે.